April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 1.91 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઈનના કામનું ખાતમૂર્હુત કરાયું

  • વીઆઈએ ચાર રસ્તાથી બિલખાડી સુધી રૂ. 30 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનવાથી વાપીમાં પાણીનો ભરાવો થશે નહીઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

  • હર ઘર તિંરગા અભિયાન હેઠળ 13 ઓગસ્ટે મંત્રીશ્રીના હસ્તે વાપીમાં 100 ફૂટ ઉંચો તિરંગો ફરકાવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31
વાપી શહેરના સાંકડા રસ્તાઓને પહોળા કરવા માટે વીજ કંપનીની નડતરરૂપ ઓવરહેડ વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવાની કામગીરી થઈ છે. જેના ભાગરૂપે વાપી પાલિકાના વિવિધ વિસ્તારના 220 કે.વી. બલીઠા સ્ટેશનમાંથી નીકળતા વાપી 01 ફીડર અને 66 કે.વી. ચંડોર સબ સ્ટેશનમાંથી નીકળતા ખડકલા ફીડરની કુલ 2.891 કિમી ઓવરહેડ હાઈટેન્સન લાઈનોનું 7.394 કિમી અંડર ગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવાના કામનું ખાતમૂર્હુત વાપી પાલિકા પાસેના સરદાર ચોક ખાતે રવિવારે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિક્લ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
વાપી પાલિકાના કોર્પોરેટરોને શીખ આપતા રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે મને ધારાસભ્ય તરીકે આપ સૌએ ચૂંટ્યો છે ત્યારે મારી ફરજ છે કે પ્રજાના કલ્યાણના કામો કરવા, આ જ રીતે કોર્પોરેટરોએ પણ પોત પોતાના વોર્ડ-વિસ્તારમાં પ્રજાલક્ષી વિકાસના કામો કરવાના રહેશે. હજુ ઘણો સમય છે. પ્રજાના નાનામાં નાના વિકાસના કામો પણ થઈ શકે તેમ છે. વાપી પાલિકાના જેટલા પણ વિકાસના કાર્યો પ્રગતિમાં છે તે તમામ કામો 15 થી 20 દિવસમાં ઝડપથી ચાલુ થઈ જવા જરૂરી છે. વાપીને સુંદર શહેર બનાવવા માટે વીજ લાઈન અંડરગ્રાઉન્ડ કરાઈ રહી છે, રસ્તા પહોળા બની રહ્યા છે. વીજ પોલ પણ હવે દૂર થશે જેથી વધુમાં વધુ વૃક્ષારોપણ કરી વાપીને સુંદર શહેર બનાવી શકીશું. ડાભેલથી વાપી સુધીના આરસીસી રસ્તા પર ભારે વરસાદમાં પણ હજુ સુધી ખાડા પડ્યા નથી, એ જ રીતે ચાર રસ્તાથી કરવડ સુધીનો રસ્તો પણ આરસીસી બનવા જઈ રહ્યો છે. સાથે ડ્રેનેજ લાઈન પણ પણ બનશે જેથી ચલામાં કોઈપણ દિવસ પાણી ભરાવાની સમસ્યા રહેશે નહીં. વીઆઈએ ચાર રસ્તાથી બિલખાડી સુધી રૂ. 30 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવા જઈ રહ્યા છે. જેને કારણે સમગ્ર વાપીમાં પાણીનો ભરાવો થશે નહીં તેની ખાતરી આપું છું. રૂ. 115 કરોડના ખર્ચે પીવાના પાણીની સમસ્યા પણ હલ થઈ છે હવે પાલિકા વિસ્તારના ગામડાઓમાં પણ સરળતાથી પાણી મળતુ થયું છે. ડુંગરા માટે પણ યોજના બનાવવા જઈ રહ્યા છે. આગામી દિવસોમાં વાપી આત્મનિર્ભર બનશે. વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારની પાલિકા ઉમરગામ, ધરમપુર અને પારડીમાં અંડરગ્રાઉન્ડ કેબલના 50 કરોડના કામો શરૂ થઈ રહ્યા છે.
વાપી પાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહે જણાવ્યું કે, વાપીના મુખ્ય માર્ગના બ્યુટીફિકેશન માટે વીજ વાયરો અને હાઈટેન્શન લાઈનને અંડરગ્રાઉન્ડ કરવામાં આવી રહી છે. જેથી વાપીને સુશોભિત કરાશે. તા. 13 ઓગસ્ટે સવારે 9 કલાકે મંત્રીશ્રી કનુભાઈના હસ્તે 100 ફૂટ ઉંચો તિંરગો ફરકાવવામાં આવશે. જે તિરંગો વાપીના વિકાસનો સાક્ષી બનશે. પાલિકાના ઉપપ્રમુખ અભયભાઈ શાહે કહ્યું કે, પાલિકાના 44 સભ્યોએ સર્વાનુમતે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈને અભિનંદનનો પ્રસ્તાવ પસાર કર્યો છે, જે અભિનંદન પત્ર પાઠવતા અને તેમનું સન્માન કરતા અમે ગર્વ અનુભવીએ છે. રૂ. 300થી 400 કરોડના પ્રકલ્પો મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જ થઈ રહ્યા છે. વાપીના વિકાસમાં તેમનુ યોગદાન અમૂલ્ય છે.
ડીજીવીસીએલના વાપી ગ્રામ્યના કાર્યપાલક ઈજનેર ચેતનાબેન શેઠે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, રૂ. 1.91 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઈનથી વાપી પાલિકાના મહાત્માગાંધી રોડ, સાંઈબાબા મંદિર રોડ, વેજીટેબલ માર્કેટ, પાંચઆંબા, પુનમ ફૂટવેરથી આશિયાના કોમ્પલેક્ષ રોડ વિસ્તાર મળી કુલ 7473 ઘર વપરાશના ગ્રાહકો, 1588 વાણિજ્ય વપરાશના ગ્રાહકો, 7 ઔદ્યોગિક ગ્રાહકો અને 1 વધુ દબાણ ધરાવતા વીજ ગ્રાહકોને ગુણવત્તાની સાથે સાતત્યપૂર્ણ વીજ પ્રવાહ મળતો થશે. આગામી 4 માસમાં આ કામગીરી પૂર્ણ કરાશે. વરસાદ, પવન, પક્ષીઓ અને વૃક્ષોની ડાળી પડવાથી થતા વીજ લાઈનના ફોલ્ટ બંધ થશે. અંડરગ્રાઉન્ડ લાઈનથી અમદાવાદ અને સુરત જેવા મહાનગરોની જેમ જ વાપી પાલિકાના ગીચ વિસ્તારનું પણ બ્યુટીફિકેશન થઈ શકશે.
આ પ્રસંગે પાલિકાના લાઈટ એન્ડ ફાયર કમિટીના ચેરમેન મનોજભાઈ નંદાણીયા, વિવિધ વોર્ડના પાલિકાના સભ્યો, પાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખ સતીષ પટેલ, સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, સગંઠનના વાપીના પ્રભારી માધુભાઈ કથિરીયા, પારડી વિધાનસભાના પ્રભારી હેમંત ટેલર અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાપી પાલિકાના ઓએસ રીતેશભાઈ વાળંદે કર્યું હતું. જ્યારે આભારવિધિ પાલિકાના કારોબારી ચેરમેન મિતેશભાઈ દેસાઈએ કરી હતી.

ગીફ્ટ સિટી ભારતનું સૌથી મોટુ આર્થિક વ્યવસ્થા કેન્દ્ર બનશેઃ મંત્રીશ્રી
વાપીમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઈનના ખાતમૂર્હુત સમારંભમાં પત્રકારો સાથેની વાતચીતમાં કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વાપી જુનુ શહેર છે, જેને નવો ઓપ આપવા માટે વિકાસના અનેક કામો થઈ રહ્યા છે, જેમાં અદ્યતન ફીશ માર્કેટ, ઓડિટોરીયમ, કોમ્યુનિટી હોલ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, રસ્તા અને પાણી સહિતના નાના મોટા તમામ કામો થઈ રહ્યા છે. જેથી વાપી સુંદર શહેર બનશે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પણ જે ટાઈપ પાસે રેલવે ઓવરબ્રિજ અને અંડર પાસિંગનું આયોજન કરાયું છે. પાણીની સમસ્યા ન રહે તે માટે નામધા, ચીકુવાડી અને ચલામાં પણ પ્લાનિંગ કરાયુ છે. હાલમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પડેલા ખાડા પુરવા રીપેરીંગ કામગીરી પુરજોશમાં ચાલુ છે. આ સિવાય આરસીસી રોડના કામો પણ થઈ રહ્યા છે. ગુજરાતનું ગીફ્ટ સિટી ભારતનું સૌથી મોટુ આર્થિક વ્યવસ્થા કેન્દ્ર બનશે. જ્યાં વિદેશી યુનિવર્સિટીઓ પણ આવશે જેથી આપણા વિદ્યાર્થીઓને વિદેશ જવાની જરૂર પડશે નહીં.

Related posts

નાની પલસાણ અને શાહુડા ખાતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ

vartmanpravah

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઈનોવેશન ક્ષેત્રે રાષ્‍ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી

vartmanpravah

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

vartmanpravah

હાઈકોર્ટ હૂકમ અન્‍વયે વલસાડ પાલિકાની કાર્યવાહી: વલસાડમાં 20 જેટલી ચિકન-મટન શોપ ઉપર તવાઈ : પાલિકાએ નોટીસ આપ્‍યા બાદ બંધ કરાવી

vartmanpravah

ચીખલી તાલુકાના સિયાદા ગામે શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન પ9 વડીલોનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment