ડુંગરી પોલીસે બે રીક્ષા ચાલકોને રીક્ષા અને દારૂના રૂા.1.15 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
(વર્તામન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03
સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અજબ-ગજબના કીમિયા પેતરા રચી દારૂ હેરાફેરી કરતા રહે છે. તેની સામે પોલીસ પણ એલર્ટ હોય છે. બુટલેગરોના આબાદ કીમિયાઓને પોલીસ નાકામિયાબ બનાવતી રહે છે. પોલીસ અને બુટલેગરોની સંતાકૂકડીની આવી રમતો વરસોથી રમાતી આવી છે. એવો જ જુદા જ પ્રકારનો કીમિયો દમણ મગરવાડા અને રીંગણવાડાના બે રીક્ષા ચાલકોએ અજમાવ્યો. રીક્ષામાં નવુ હૂડ નાંખી નીચે દારૂની બોટલો પાથરી દારૂ બિલીમોરા પહોંચાડવા નિકળ્યા હતા પરંતુ વલસાડ ડુંગરી પોલીસે દારૂનો જથ્થો ભરેલ બે રીક્ષા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર દમણ મગરવાડા પટેલ ફળીયામાં રહેતો રીક્ષા ચાલક ગણેશ ગુલાબ પટેલ રીક્ષા નં.જીજે 15 ટીટી 2298માં હૂડ નીચે દારૂનો જથ્થો ભરી બિલીમોરા આપવા નિકળેલ તે મુજબ દમણ રીંગણવાડા પારસીવાડીમાં રહેતો રીક્ષા ચાલક સુરેશ કાળુ પટેલ રીક્ષા નં.જીજે 15 ટીટી 5042માં હૂડ નીચે દારૂની બાટલીઓ ગોઠવી હતી. બન્ને રીક્ષાઓને ડુંગરી પી.એસ.આઈ. શક્તિસિંહ ગોહીલ અને સ્ટાફે ઊંટડી તળાવ પાસે હાઈવે ઉપરથી ઝડપી પાડી હતી. બે રીક્ષા અને દારૂના જથ્થા સહિત પોલીસે રૂા.1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીની અટક કરી હતી. દારૂ ભરાવનાર અને લેનારાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.