પવિત્ર શ્રાવણ માસમાં ભોલેનાથની ઉપાસના દર્શન ભક્તો અવિરત કરતા રહે છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01
પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભમાં જ આવેલ પ્રથમ સોમવારે વલસાડ જિલ્લાના શિવાલયો બસ બસ ભોલેના નાદથી ગુંજી ઉઠયા હતા. વલસાડ જિલ્લામાં સુવિખ્યાત શિવાલયો-મંદિરો આવેલાછે. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિરે સવારથી ભાવિ ભક્તોની ભીડ ભોલેનાથના દર્શન, અર્ચના કરવા ઉમટી પડી હતી. બિલ્વપત્ર દૂધ ચઢાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
વલસાડ જિલ્લામાં વલસાડમાં આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર 800 વર્ષ પૌરાણિક છે. ચમત્કારિક ગણાતા આ મંદિરની છત અનેક વખત બાંધવાનો પ્રયાસ કરાયો પણ ટકતી નથી. શિવબાબા ઉપર સૂર્યના સીધા કિરણો અભિષેક કરે છે. તેથી જિલ્લાભરમાં તડકેશ્વર મહાદેવ મંદિર ભાવિકો માટે સદીઓથી આસ્થાનું કેન્દ્ર રહેલ છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારે વલસાડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો શિવભક્તો દર્શન કરવા મંદિરમાં ઉમટી પડયા હતા. ઉત્તર ભારતીયો શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા કાઢે છે. આજે વલસાડ રામજી મંદિરથી નિકળેલી કાવડ યાત્રા તડકેશ્વર મહાદેવ પહોંચી સમાપ્ત થઈ હતી. જિલ્લાના બરુમાળ 13મા જ્યોર્તિલિંગ ગણાતા ભાવભાવેશ્વર મહાદેવ મંદિરમાં પણ સોમવારથી ભાવિકોનું આગમન શરૂ થઈ ગયું હતું. વાપીમાં સિધ્ધેશ્વર મહાદેવ અને જી.આઈ.ડી.સી. અંબામાતા મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવદર્શન અને અભિષેક માટે ભક્તોની કતારો જોવા મળી હતી.