ચોમાસામાં એક, બે ફૂટ પાણી નાળામાં ભરાઈ જતા અવર-જવર મુશ્કેલ બનતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03
વલસાડ નગરપાલિકાનો વહિવટ સાવ ખાડે જઈ ચૂકેલાના અનેક ઉદાહરણો શહેરમાં જોવા મળી રહ્યા છે. સફાઈ, આરોગ્ય, લોકસુવિધાના કામો પાલિકા દ્વારા નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે ત્યારે પાલિકા વિરોધપક્ષના નેતા અને એક સભ્યએ મોગરાવાડી ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જાય તો અવર-જવરમાં ઉભી થતી મુશ્કેલી દૂર કરવા માટે લોકફાળાથી આજે બુધવારે નાળામાં પગદંડી બનાવાની કામગીરી શરૂ કરીને પાલિકાને તમાચો માર્યો જેવી સ્થિતિ સર્જાઈ હતી.
વલસાડ મોગરાવાડીનું રેલનાળું વલસાડની હાર્ટલાઈન સમાન છે. નાળા બનાવ્યા બાદ સમયે સમયે ઊંડું થતું ગયેલું. ચોમાસામાં એકથી બે ફુટ પાણી ભરાઈ જાય છે. તેથી સામાન્ય લોકોને અવર-જવર કરવા માટે પાણીમાં ચાલવું પડે છે. પાલિકામાં અનેકવાર નાળામાંલોકોને ચાલવા પગદંડી બનાવાની માંગણી ઉઠી છે. વિરોધ પક્ષે વારંવાર રજૂઆત કરી પણ પગદંડી નહી બનતા પાલિકાના વિરોધપક્ષના નેતા ગીરીશભાઈ દેસાઈ અને સભ્ય સંજયભાઈએ લોકફાળો શરૂ કર્યો. સિમેન્ટ, પ્લેવર બ્લોક, મજુરી માટે લોકફાળો લીધો, કોઈએ દાન પણ કર્યું. અંતે આજે લોકફાળાથી પગદંડી બનાવાની કામગીરી શરૂ થઈ હતી. પાલિકા અને શહેર માટે આ એવો નવતર પ્રયોગ હતો કે પાલિકા પાસે કોઈ જવાબ નહોતો.