રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશ સંગઠન પ્રમુખ અને 6 મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ધરમપુર ખાતે નિર્માણ પામેલી 250 બેડની મલ્ટિ-સ્પેશિયાલિટી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે તા. 4 ઓગસ્ટના રોજ બપોરે 3-30 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન કરશે. આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સંગઠનના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહેશે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ગુરૂદેવશ્રી રાકેશજીની ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહમાં રાજયના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ, પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી નીમિષા સુથાર સહિત વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ અને જિલ્લા તમામ ધારાસભ્યોશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાનારા આ ઉદઘાટન સમારોહમાં 7500થી વધુ લોકો ઉમટશે એવો અંદાજ આયોજકો દ્વારા લગાવાઈ રહ્યો છે. જે માટેની તમામ તૈયારીઓને મોડી સાંજ સુધીમાં આખરી ઓપ અપાયો હતો.