January 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોટી દમણ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આયોજીત એટ હોમ કાર્યક્રમમાં સંઘપ્રદેશ પ્રશાસન અને જનભાગીદારીથી પરિવર્તન સંભવ હોવાનો નગરજનોએ કરેલો પ્રત્‍યક્ષ અનુભવઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

  • સંઘપ્રદેશને ફક્‍ત મોડેલ જ નહીં પરંતુ અતિ ઉત્તમ શ્રેષ્‍ઠ પ્રદેશ બનાવવા ઉપસ્‍થિત જન પ્રતિનિધિઓ, અધિકારીઓ અને લોકોને કરેલું આહ્‌વાન

  • પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નામ લીધા વગર ઈશારો કરતા જણાવ્‍યું હતું કે, કોઈની આભા કે પ્રભાવમાં જીવવાની આવશ્‍યકતા નથીઃ પોતે સ્‍વતંત્ર બનીને પોતાની ઓળખ બનાવવા કરેલી હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની અધ્‍યક્ષતામાં સ્‍વતંત્રતા દિવસની સંધ્‍યાએ પ્રદેશ પ્રશાસન દ્વારા મોટી દમણના વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે એટ હોમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના શુભેચ્‍છા સંદેશમાં ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશ પ્રશાસન અને જનભાગીદારીથી પરિવર્તન સંભવ છે તેનો નગરજનોએ અહીં પ્રત્‍યક્ષ અનુભવ કર્યો છે. પ્રદેશમાં થયેલા વિકાસકામોનો ઉલ્લેખ કરતા તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આ તમામ કામો ભારત સરકારના રેગ્‍યુલેટરી બજેટમાં જ સંભવ થયા છે અને તે પણ ગુણવત્તાયુક્‍ત અનેનિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થયા છે. તેમણે પ્રદેશના બદલાયેલા વર્ક કલ્‍ચરને યથાવત રાખી દાદરા નગર હવેલી અને દમણ-દીવને ફક્‍ત મોડેલ જ નહીં પરંતુ અતિ ઉત્તમ શ્રેષ્‍ઠ પ્રદેશ બનાવવા ઉપસ્‍થિત જન પ્રતિનિધિઓ, અધિકારીઓ અને લોકોને આહ્‌વાન કર્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તેમની નિયુક્‍તિ થઈ ત્‍યારથી માંડી આજ સુધી કેટલાક લોકો દ્વારા તેમને બદલવા માટે કરાયેલી યુક્‍તિ-પ્રયુક્‍તિનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, અગામી 29મી ઓગસ્‍ટે મારા 6 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. હું આવ્‍યો છું મારી મરજીથી અને જઈશ પણ મારી મરજીથી જ એવી સ્‍પષ્‍ટ વાત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, જ્‍યાં સુધી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને તેમનો જે પણ કોઈ આદેશ હશે તે પ્રમાણેની જવાબદારી તેઓ નિભાવતા રહેશે એવી સ્‍પષ્‍ટ વાત પણ કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક કેટલાક લોકો ઉપર નામ લીધા વગર ઈશારો કરતા જણાવ્‍યું હતું કે, કોઈની આભા કે પ્રભાવમાં જીવવાની આવશ્‍યકતા નથી. પોતે સ્‍વતંત્ર બનીને પોતાની ઓળખ બનાવવા પણ હાકલ કરી હતી. તેમણે હાલની જિલ્લા પંચાયત, નગરપાલિકા અને સરપંચની ટીમની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં ચલાવવામાં આવેલ ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને‘હર ઘર તિરંગા’ અભિયાન મુંબઈ અને સુરત સુધી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ જેવું થયેલું આયોજન ક્‍યાંય પણ જોવા નથી મળ્‍યું. તેમણે સ્‍વચ્‍છતા અભિયાનને જન આંદોલનમાં પરિવર્તિત કરવા બદલ પણ જન પ્રતિનિધિઓને અભિનંદન આપ્‍યા હતા.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, લોકો વોટ આપીને જન પ્રતિનિધિઓને ચૂંટે છે. ત્‍યારે જન પ્રતિનિધિઓએ પોતાની વ્‍યક્‍તિગત આશા-આકાંક્ષાઓ છોડી જન આકાંક્ષાઓ માટે કામ કરવું જોઈએ. પ્રદેશના વિકાસની ચિંતા કરવી જોઈએ અને સમસ્‍યાના નિરાકરણ માટે યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂઆત પણ કરવી જોઈએ.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રદેશના થયેલા વિકાસનો સંપૂર્ણ શ્રેય પ્રશાસકશ્રીને આપતા નિખાલસ રીતે કબુલાત પણ કરી હતી કે, અમે કોઈ સલાહ નથી આપી પરંતુ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જ પોતાની દીર્ઘદૃષ્‍ટિથી પ્રદેશના વિકાસ કામો કરવા સફળ રહ્યા છે. તેમણે પ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની નિમણૂક કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો પણ આભાર પ્રગટ કર્યો હતો.
આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર અને તેમની ટીમ, સરપંચો, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહચૌહાણ અને તેમની ટીમ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ અને તેમની ટીમ, સરપંચો, દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ અને તેમની ટીમ, દમણ-દીવના પૂર્વ સાંસદો સર્વ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), શ્રી દેવજીભાઈ ટંડેલ, દાનહના પૂર્વ સાંસદો સર્વ શ્રી નટુભાઈ પટેલ અને શ્રી સીતારામભાઈ ગવળી, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, એનસીપીના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી ધવલભાઈ દેસાઈ, સ્‍વાતંત્ર્ય સેનાનીઓ, સામાજિક આગેવાનો, જમ્‍મુ કાશ્‍મીરથી નર્સિંગનો કોર્ષ કરવા સંઘપ્રદેશ આવેલ વિદ્યાર્થીનીઓ, સરકારી અધિકારીઓ અને મીડિયાકર્મીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રેલવેનો અજબ ગજબનો નિયમ કરમબેલાથી વાપી પેસેન્‍જર ટ્રેનમાં એક્‍સપ્રેસ ટ્રેનનું ભાડું લાગે છે

vartmanpravah

સલવાવ ગુરુકુળમાં નાના બાળકોના સ્‍વાગત માટે ઓરીએનટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા આજથી નાની દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે યોગ મહોત્‍સવનું આયોજન

vartmanpravah

દાનહમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારીની વન વિભાગે કરી ધરપકડ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ ટેમ્‍પા સાથે એકની ધરપકડ કરી

vartmanpravah

Leave a Comment