April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

રાજ્યના ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 30 કરોડના ખર્ચે સરીગામ પ્લાસ્ટીક ઝોન અને સરોંડામાં 66 કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

  • મંત્રીશ્રીના હસ્તે રૂ. 30 કરોડના ખર્ચે 11 કેવી 44 કિમીની એચ.ટી. લાઈનનું 133 કિમી એચ.ટી. કેબલ દ્વારા અંડરગ્રાઉન્ડ કામગીરીનું ખાતમૂર્હુત કરાયું

  • છેલ્લા 15 દિવસમાં 70 થી 80 ઈંચ વરસાદ પડવા છતાં વીજ ફોલ્ટની સમસ્યા આવી નથીઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

  • સમગ્ર દેશની 71 વીજ કંપનીમાં ડીજીવીસીએલ પ્રથમ, એમજીવીસીએલ બીજા ક્રમે, યુજીવીસીએલ ચોથા ક્રમે અને પીજીવીસીએલએ આઠમો ક્રમ પ્રાપ્ત કરતા વીજ કર્મીઓને અભિનંદન પાઠવ્યા

  • (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
    વલસાડ, તા.07: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે રૂ. 23 કરોડના ખર્ચે તૈયાર થયેલા 66 કેવી સરીગામ પ્લાસ્ટીક ઝોન સબ સ્ટેશન તથા રૂ. 7.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા 66 કેવી સરોંડા સબ સ્ટેશનનું લોકાર્પણ અને સરીગામ જીઆઈડીસી વિસ્તારની ભારે દબાણની વીજ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરણ કરવાની કામગીરીના ખાતમૂર્હુતનો સમારોહ તા. 7 ઓગસ્ટને રવિવારે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સરીગામની કે.ડી.બી હાઈસ્કૂલના હોલમાં યોજાયો હતો. સરીગામ પ્લાસ્ટીક ઝોનના સબ સ્ટેશનથી 61 ઔદ્યોગિક અને 22 એમ.ટી એમ કુલ 83 ઔદ્યોગિક એકમો અને સરોંડા સબ સ્ટેશનથી સરોંડા, તડગામ, નીકોલી, કોળીવાડ, મરોલી, દાંડી સહિતના 1901 રહેણાંક, 130 ખેતીવાડી, 43 વાણિજ્ય અને 2 ઔદ્યોગિક મળી કુલ 2133 વીજ ગ્રાહકોને ફાયદો થશે.
    લોકાર્પણ સમારોહમાં મંત્રીશ્રી કનુભાઈએ જણાવ્યું હતું કે, ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા હાથ ધરાયેલા 10માં એન્યુઅલ ઈન્ટ્રીગ્રેટેડ રેટીંગમાં રાજ્ય સરકારની ચારેય વીજ કપંનીઓને એ પ્લસ રેટીંગ પ્રાપ્ત કર્યો છે, જેમાં સમગ્ર દેશની 71 વીજ કંપનીમાં ડીજીવીસીએલ પ્રથમ ક્રમે અને એમજીવીસીએલ બીજા ક્રમે, યુજીવીસીએલ ચોથા ક્રમે અને પીજીવીસીએલને આઠમો ક્રમ પ્રાપ્ત કરવા તેમજ દર વર્ષે એ પ્લસ રેટીંગ પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખવા બદલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. રશિયા-યુક્રેનના યુધ્ધના કારણે ગેસનો પુરવઠો મળતો બંધ થયો હતો બીજી તરફ કોલસાની ખાણમાં પાણી ભરાવાના કારણે કોલસાની અછત વર્તાતા ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા હતા, આ વિપરિત પરિસ્થિતિમાં ગુજરાતમાં એક પણ દિવસ લોડ સેટીંગ કરવાની ફરજ પડી ન હતી. આ કટોકટીમાં પણ રહેણાંકથી માંડીને ઉદ્યોગોને પણ નિરંતર વીજળી મળી રહી હતી. આપણા વીજ મથકોએ પણ સૌથી વધુ વીજળીનું ઉત્પાદન કર્યું હતું. સરીગામ અને સરોંડામાં સાકાર થયેલા સબ સ્ટેશન અંગે ખેડૂતો અને ગ્રામજનોનો આભાર માની મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, 15 દિવસમાં 70થી 80 ઈંચ વરસાદ આપણા જિલ્લામાં પડવા છતાં ક્યાંય પણ વીજ ફોલ્ટની સમસ્યા આવી નથી. વધુમાં મંત્રીશ્રીએ આ તબક્કે જણાવ્યું હતું કે, પહેલા રોજ 17 હજાર મેગા વોટ વીજળીનો વપરાશ થતો હતો હવે ઉદ્યોગો અને શહેરીકરણ વધતા રોજ 22 હજાર મેગા વોટની વીજળીનો વપરાશ થઈ રહ્યો છે. જે ગુજરાતનો વિકાસ દર્શાવે છે.
    વલસાડ જિલ્લામાં ઉર્જા ક્ષેત્રે નવીનીકરણ થઈ રહ્યું છે, જેનાથી પ્રજાને ગુણવત્તાસભર અને સાતત્યપૂર્ણ વીજળી મળી રહી છે તે ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની દીર્ઘદ્રષ્ટીનું પરિણામ હોવાનું જણાવી જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહે વધુમાં કહ્યું કે, ઉમરગામમાં અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી પણ કનુભાઈની પ્રસંશનીય કામગીરીનું ઉત્તમ દ્રષ્ટાંત છે. છેલ્લા 15 દિવસમાં ઠેક ઠેકાણે સબ સ્ટેશન અને અંડરગ્રાઉન્ડ વીજ લાઈનના કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હત થઈ રહ્યા છે. જેનાથી લોકોનું જીવનધોરણ પણ ઉપર આવી રહ્યું છે. પહેલા 5થી 7 કલાક વીજળી મળતી હતી હવે 24 કલાક વીજળી મળે છે.
    દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી સ્નેહલ પી. ભાપકરે જણાવ્યું કે, સરીગામ જીઆઈડીસીના વિસ્તારમાં કેમિકલયુક્ત વાતાવરણને લીધે ઈલેક્ટ્રીક વાયરો તથા કંડક્ટરોનું ખવાણ થવાથી તૂટી જવાના બનાવો બનવાની સંભાવના રહે છે. જેના કારણે વારંવાર વીજ વિક્ષેપ થવા ઉપરાંત વીજ અકસ્માતની સંભાવના રહે છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરીગામ જીઆઈડીસીની 11 કેવીની 44 કિમીની હાઈટેન્સન વીજ લાઈનને 133 કિમી એચ.ટી. કેબલ દ્વારા અંડરગ્રાઉન્ડ કરાશે. જેનાથી ઔદ્યોગિક ભારે દબાણના 121 ગ્રાહકો અને હળવા દબાણના 710 ગ્રાહકોને ફાયદો થશે. રૂ. 30.14 કરોડના ખર્ચે થનાર આ કામગીરીમાં 60 ટકા (18.08 કરોડ) ગ્રાન્ટ રાજ્ય સરકાર, 20 ટકા(6.03 કરોડ) ગ્રાન્ટ સરીગામ જીઆઈડીસી અને 20 ટકા (6.03 કરોડ) ગ્રાન્ટ ડીજીવીસીએલ દ્વારા ફાળવવામાં આવ્યા છે. વધુમાં 63 રિંગમેઈન યુનિટસ પ્રસ્થાપિત થવાથી ફોલ્ટ સર્જાયેલ ભાગ કે વીજ સમારકામ માટે બંધ કરાયેલા વિભાગ બંને બાજુથી આઈસોલેટ થઈ શકશે જેથી ફોલ્ટ પરિસ્થિતિમાં પણ મહત્તમ વીજ ગ્રાહકોને વીજ પુરવઠો ચાલુ રહી શકશે.
    આ પ્રસંગે સંસદ સભ્ય ડો.કે.સી.પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, સરીગામ ઈન્ડ્રસ્ટીયલ એસો.ના પ્રમુખ કમલેશ ભટ્ટ અને એસઆઈએના એડવાઈઝરી કમિટીના ચેરમેન શિરીષ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સ્વાગત પ્રવચન જેટકોના મુખ્ય ઈજનેર એન.જી.રાઠોડે કર્યું હતું. આભારવિધિ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વલસાડ ડિવિઝનના અધિક્ષક ઈજનેર એમ.એમ.પટેલે કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેટકોના દીપકભાઈ સી.પટેલે કર્યું હતું.
    આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન મુકેશ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ધાંગડા, ડીજીવીસીએલના વાપી જીઆઈડીસીના કાર્યપાલક ઈજનેર નિરંજનાબેન પટેલ તેમજ સરીગામ જીઆઈડીસીના સદસ્યો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related posts

આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

મનના અંધારાને દૂર કરવાનો તહેવાર એટલે દિવાળીઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા યોજાયેલો દિપાવલી સ્‍નેહ મિલન સમારંભ

vartmanpravah

સાવધાન….!: દાનહ અને દમણમાં 10 દિવસના વિરામ બાદ 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ તથા અન્‍ય રાજ્‍યપાલો સાથે ઉપરાષ્‍ટ્રપતિ ભવન ખાતે હાઈ ટી દરમિયાન વિવિધ મુદ્દાઓ ઉપર કરેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

દાનહઃ સામરવરણી અને મસાટમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

vartmanpravah

Leave a Comment