(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: નારી વંદન ઉત્સવની ઉજવણી અનેકવિધ કાર્યક્રમો સાથે જિલ્લામાં રોજે રોજ થઈ રહી છે ત્યારે છઠ્ઠા દિવસે “મહિલા કલ્યાણ દિવસ”ની ઉજવણી ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ધરમપુરની એકલવ્ય કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં થઈ હતી.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલે “મહિલા કલ્યાણ દિવસ” વિશે પ્રાસંગિક ઉદ્દ્બોધન કર્યું હતું. મહિલા અને બાળ અધિકારીશ્રી (ઈ.ચા.) કમલેશ ગિરાસેએ “મહિલા કલ્યાણ દિવસ” વિશે પ્રાસંગિક ઉદ્દ્બોધન કર્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરતી યોજનાકીય માહિતી આપી હતી. જિલ્લા મહિલા કલ્યાણ અધિકારીએ મહિલા શક્તિ કેન્દ્ર યોજનાની તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપી હતી. 181 મહિલા અભયમ હેલ્પલાઇન વલસાડના કાઉન્સેલર ગાયત્રીબેને 181 મહિલા અભયમ હેલ્પલાઇનની માહિતી આપી હતી. પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર જાગૃતિબેને તેમની કામગીરી વિશેની જાણકારી આપી મહિલાઓને પોલીસ બેઈઝડ સપોર્ટ સેન્ટર કઈ રીતે મદદરૂપ બની રહે તે જણાવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના વિભાગ દ્વારા વ્હાલી દીકરી મંજુરીના 5 હુકમ અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના મંજુરીના 3 હુકમનું વિતરણ કરાયું હતું. શાળા-કોલેજ કક્ષાએ શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કુલ 16 વિદ્યાર્થિનીઓને શિક્ષણ વિભાગ અને મહિલા- બાળ અધિકારીની કચેરી દ્વારા ઇનામ વિતરણ કરાયા હતા.
કાર્યક્રમમાં જિલ્લા મહિલા શક્તિ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક, એકલવ્ય કન્યા સાક્ષારતા નિવાસી શાળાના આચાર્ય, તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા. શિક્ષણ વિભાગના વિનોદભાઇએ આભારવિધિ કરી હતી.