‘‘તિરંગા હમારી શાન હે, હમ ભારત કે વો સૈનિક હે, તિરંગા હમારી જાન હે…” ગીત પર ભારત માતા કી જયના નારા લાગ્યા
સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકોના સાહસ, શૌર્ય, સંઘર્ષ અને શહાદતની ગાથાને તબીબોએ અભિનય દ્વારા જીવંત બનાવી
દેશ ભક્તિની ભાવના પ્રબળ બને અને સૈનિકો પ્રત્યે માન, સન્માન વધે તેવો સરાહનીય પ્રયાસ તબીબો દ્વારા કરાયો
મા ભૌમની રક્ષા કાજે શહીદ થાય ત્યારે શરીર પર કફનને બદલે તિરંગો લપેટાયેલો હોય તેનાથી વિશેષ સન્માન શું હોય શકે?
સંકલનઃ જિજ્ઞેશ સોલંકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: હર ઘર તિરંગા અભિયાન હેઠળ સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે દેશભક્તિનો જનસૈલાબ ઉમટયો છે. ત્યારે વલસાડ મેડિકલ એસોસિએશના તબીબો પણ દેશ ભક્તિના રંગે રંગાયા છે. સામાન્યપણે તબીબો વ્યસ્તતાને કારણે કલાની દુનિયાથી અલિપ્ત રહેતા હોય છે પરંતુ વલસાડના તબીબોએ સૈનિકોની વીરતા,સાહસ, શૌર્ય, સંઘર્ષ અને શહાદતને પોતે લખેલા ગીત અને અભિનય દ્વારા જીવંત બનાવી સમગ્ર તબીબ જગતને દેશભક્તિની અનોખી મિશાલ પુરી પાડી છે.
છ વર્ષ પહેલા વલસાડના નેશનલ હાઈવે પરથી લશ્કરની કંપની પસાર થતી હતી ત્યારે એક સૈનિકને અચાનક મેડિકલ ઈમરજન્સી ઊભી થતા પારડી હાઈવે ઉપર સ્થિત કુરેશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઈમરજન્સીમાં પેટનું ઓપરેશન કરવું પડ્યું હતું. આ સૈનિક સાજો થઈ ગયો અને રજા આપવાના દિવસે તા.15મી ઓગસ્ટ આવતી હોય પારડીની વિદ્યાભારતી સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં એમના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. આ સમયે તેમની મુલાકાત સ્કૂલના ટ્રસ્ટી અને પારડીના તબીબ તેમજ કવિ ડો. કાર્તિક ભદ્રા સાથે થઈ હતી. ત્યારે વાતચીત દરમિયાન દેશની રક્ષા માટે સૈનિકોના ત્યાગ, બલિદાન અને સમર્પણની વાતો થઈ હતી. આ વેળા બીએસએફના સૈનિકે દેશના જવાનો પર કવિતા લખવા માટે સૂચન કરતા ડો. ભદ્રાને પ્રેરણા મળી અને તેમણે દેશની રક્ષા કાજે સરહદ પર તૈનાત સૈનિકોની સંઘર્ષ ગાથા રજૂ કરતું ગીત જાતે જ લખ્યું, જેના શબ્દો છે, ‘‘તિરંગા હમારી શાન હે, હમ ભારત કે વો સૈનિક હે, તિરંગા હમારી જાન હે…” 3 વર્ષ પહેલા આ ગીતને સુભાષ પંડિતે સંગીત આપી ગાયું પણ હતું. બાદમાં આસોંગ બીએસએફ અને એર ફોર્સના જવાનોને મોકલવામાં આવ્યું હતું. જેઓને દેશભક્તિનું આ ગીત ખૂબ જ પસંદ પડયું હતું.
જો કે ડો. કાર્તિક ભદ્રાના મનમાં અલગ જ વિચાર હતો કે, રાષ્ટ્રપ્રેમ અને મા ભૌમની રક્ષા કાજે દેશના સૈનિકોના જોમ અને જુસ્સાની કહાની લોકો સુધી પહોંચવી જોઈએ. જેથી રંગમંચ પર આ ગીત પર સૈનિકોના પાત્રમાં અભિનય કરી લોકોની જીભ પર સૈનિકોની ગાથાને સંગીતના રૂપમાં રમતી કરી શકાય. ડો. ભદ્રા તબીબ હોવાથી તેમણે વિચાર કર્યો કે, દેશનું મહત્વનું અંગ ગણાતા મોટેભાગના ડોકટરો કલાની દુનિયાથી અલિપ્ત હોય છે તો એવું કેમ ન બની શકે કે, ડોક્ટરો જાતે જ સૈનિકોનું પાત્ર રંગમંચ પર રજૂ કરી અભિનય કરે. આ વિચાર તેમણે વલસાડ મેડિકલ એસોસિએશન સમક્ષ રજૂ કર્યો અને સૌએ તેને સહર્ષ વધાવી લીધો. છેવટે મેડિકલ એસોસિએશનના ડો.પીનેશ મોદી, ડો.વિરાગ દમણીયા, ડો.ચિરાગ પટેલ, ડો.પ્રસન્ન પટેલ, ડો.ઉન્નતિ દોડિયા, ડો.નિશિત પટેલ, ડો.મૃણાલ દેસાઈ, ડો.શિવાની ભદ્રા અને ડો.કાર્તિક ભદ્રાએ રંગમંચ પર સૈનિકોના પાત્રમાં અભિનય કરી આ ગીતના શબ્દોમાં પ્રાણ રેડી દીધા. તાઢ, તડકામાં સૈનિકો કેવી રીતે દેશની રક્ષા કરતા હોય, દુશ્મન સૈનિકો સામે જીવ હથેળી પર લઈનેચાલતા હોય અને યુધ્ધ દરમિયાન શહીદ થાય ત્યારે શહીદીનું ગૌરવના પ્રસંગોને આવરી લેવાયા છે.
આ ગીત લખનાર, ડાયરેકટર, પ્રોડયુસર અને અભિનય કરનાર ડો. કાર્તિક ભદ્રાએ જણાવ્યું કે, 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ પહેલાની જેમ માત્ર સરકારી ઉજવણી પૂરતો સીમિત રહ્યો નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હવે દર વર્ષે આ ઉજવણીમાં દેશના નાગરિકો ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાય રહ્યા છે. હાલમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ સમગ્ર દેશમાં જનસૈલાબ ઉમટયો છે. ઠેર ઠેર તિરંગા યાત્રા નીકળી રહી છે. ત્યારે વલસાડ મેડિકલ એસોસિએશનના તબીબોએ દેશભક્તિ વ્યક્ત કરવા અને સૈનિકોની શહાદતને યાદ કરવા સ્વંય રચિત તિરંગા… ગીત પર અભિનય પણ કર્યો છે. સૈનિક સાથે મારી વાત થઈ ત્યારે તેમણે કહેલા શબ્દો આજે પણ મને યાદ છે, તેમણે કહ્યું કે, મા ભૌમની રક્ષા કાજે શહીદ થાય ત્યારે શરીર પર કફનને બદલે તિરંગો લપેટાયેલો હોય તેનાથી વિશેષ સન્માન શું હોય શકે? આ શબ્દો સાંભળી મારી આંખ પણ ભીની થઈ ગઈ હતી. જેથી લોકોમાં દેશના સૈનિકો પ્રત્યે માન વધે અને દેશભક્તિ પ્રબળ બને તે માટે ઉમદા પ્રયાસ કરાયો છે.
ખાસ કરીને ‘ઉડાન’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમનું સિંચન થાય તે માટે કાર્યરતએવા ડો. કાર્તિક ભદ્રા અને તબીબોએ આ ગીત માટે 20 દિવસ સુધી તબીબોએ કોરિયોગ્રાફર હેમાલીબેન ટંડેલના માર્ગદર્શનમાં પ્રેક્ટિસ કરી હતી. આખરે પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં વલસાડ મેડિકલ એસોસિએશનના ‘‘ગરિમા- 2024” કાર્યક્રમમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ ગીત રજૂ થતા જિલ્લાના સૌ તબીબ પરિવારોએ તાળીના ગડગડાટ અને ભારત માતા કી જયના નારાથી વધાવી લીધું હતું. વીડિયોગ્રાફી અમિત કાપડીયાએ કરી હતી. હવે તા.15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વે આ ગીત સોશિયલ મીડિયા પર રીલીઝ કરાશે, જેને નિહાળી સૈનિકો પ્રત્યે માન, સન્માન વધે અને આપણી આન, બાન, શાન સમાન તિરંગા પ્રત્યે ગર્વ અનુભવાય એવી આશા છે.