પુરૂષ અને મહિલા બંને શ્રેણીમાં સાઉદવાડી ટીમ વિજેતા બની જ્યારે ઉપ વિજેતા પુરૂષ શ્રેણીમાં વણાંકબારા અને મહિલા શ્રેણીમાં ઝોલાવાડીની ટીમ રહી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.10: આઝાદીના અમૃત મહોત્સવ અને ‘હર ઘર તિરંગા અભિયાનના ઉપક્રમે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં અને દીવ જિલ્લા કલેક્ટર શ્રી ફોરમન બ્રહ્માના માર્ગદર્શનમાં રમત વિભાગ, દીવ દ્વારા જનભાગીદારી સાથે રમત-ગમત સંબંધિત અનેક પ્રવૃતિઓ અને સ્પર્ધાઓનું ખુબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેની કડીમાં આજે તા.10મી ઓગસ્ટ, 2022ના રોજ સવારે 10:30 કલાકે પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, દીવમાં જિલ્લા સ્તરની દોરડાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પુરૂષ શ્રેણીમાં સાઉદવાડી ગ્રામ પંચાયત વિજેતા બની હતી જ્યારે વણાંકબારા ગ્રામ પંચાયત ઉપ વિજેતા રહેવા પામી હતી. જ્યારે મહિલા શ્રેણીમાં સાઉદવાડી ગ્રામ પંચાયતની ટીમ વિજેતા બની હતી અને ઝોલાવાડી ગ્રામ પંચાયતની ટીમ ઉપ વિજેતા રહીહતી.
દોરડાખેંચ સ્પર્ધામાં પુરૂષ અને મહિલા બંને શ્રેણીની વિજેતા અને ઉપ વિજેતા ટીમો સ્વતંત્રતા દિવસે દમણમાં યોજાનારી સંઘપ્રદેશ સ્તરની દોરડાખેંચ સ્પર્ધામાં ભાગ લેશે.
આ દોરડાખેંચ સ્પર્ધાનું રમત અધિકારી શ્રી મનિષ સ્માર્તના સફળ માર્ગદર્શનમાં જિલ્લા જિલ્લા શારીરિક શિક્ષણના શિક્ષકોના સક્રિય સહયોગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.