પ્રદેશના પંચાયતીરાજ સચિવ ગૌરવસિંહ રાજાવતના નેતૃત્વમાં ઉચ્ચ અધિકારીઓની ટીમે દુધની અને સિંદોની વિસ્તારની મુલાકાત લઈ સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો સાથે કરેલી ચર્ચા-વિચારણા
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલે અખત્યાર સંભાળ્યા બાદ પ્રદેશના આઈ.એ.એસ. જેવા ઉચ્ચ અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ સ્થળ ઉપર પહોંચી યોજનાઓને ચકાસતા છેવટે પ્રદેશના છેવાડેના લોકોને મળી રહેલો સીધો લાભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
સંઘપ્રદેશ પ્રશાસને દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસી સમુદાયને આત્મનિર્ભર બનાવવા શરૂ કરેલા પ્રયાસને તીવ્ર ગતિ આપવા આજે પ્રદેશના પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત, દાનહ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી વિવેક કુમાર, આરડીસી શ્રી ફવરમન બ્રહ્મા, સહાયક કલેક્ટર શ્રી શિવ કુમાર અને તેમની ટીમે દુધની અને સિંદોની ખાતે સેલ્ફ હેલ્પ ગ્રુપની મુલાકાત લીધી હતી.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે પ્રયાસરત રહે છે અને પ્રદેશની મહિલાઓમાં નેતૃત્વ શક્તિ વિકસે તે માટે પણ તેઓ અનેક ઉમદા પહેલકરતા રહ્યા છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ખાસ કરીને દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારની મહિલાઓને મશરૂમ, પાપડ, અચાર વગેરેના ઉત્પાદનની તાલીમ આપી તેમના ઉત્પાદનોને પોષણક્ષમ માર્કેટ પણ મળે તે બાબતની વ્યવસ્થા કરવાનો આગ્રહ પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા રાખવામાં આવે છે.
આજે પંચાયતીરાજ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતના નેતૃત્વમાં ટીમે દુધની ખાતે ચાર સેલ્ફ હેલ્પ ગ્રુપની મુલાકાત લીધી હતી અને તેમને પાપડ બનાવવાનું મશીન પણ વિતરીત કરાયું હતું. પાપડના ઉત્પાદનના વેચાણ માટે માર્કેટની વ્યવસ્થા કરવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ અધિકારીઓની ટીમે સિંદોની ખાતે બે સેલ્ફ હેલ્પ ગ્રુપની મુલાકાત લીધી હતી અને તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ મશરૂમના ઉત્પાદનની પ્રક્રિયાના સંદર્ભમાં પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને મશરૂમનું વેચાણ અને તેમાથી યોગ્ય વળતર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા માટે પણ સમજણ આપવામાં આવી હતી.
ખાનવેલ ખાતે ફુલોની ખેતી સાથે મધમાખી ઉછેરની સંભાવનાઓ પણ અધિકારીઓની ટીમે તપાસી હતી.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે અખત્યાર સંભાળ્યા બાદ પ્રદેશના આઈ.એ.એસ. જેવા ઉચ્ચ અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈઅને સ્થળ ઉપર પહોંચી યોજનાઓ ચકાસતા થયા છે. જેનો લાભ પ્રદેશના છેવાડેના લોકોને સીધો મળી રહ્યો છે.