વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.16
પારડી તાલુકા અને નગરપાલિકા ખાતે 76મા સ્વાતંત્ર્ય દિનની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી અનદુસુરેશ ગોવિંદ જ્યારે પારડી નગરપાલિકા ખાતે પ્રમુખ હસુભાઈ રાઠોડ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સમગ્ર પારડી વિસ્તારમાં ખૂબ જ ધામધુમથી 76મા સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. પારડી મામલતદાર ખાતે મદદનીશ કલેકટર અને પારડીના પ્રાંત અધિકારી અનંત સુરેશ ગોવિંદના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. વંદન બાદ અનેક ક્ષેત્રે સફળતા મેળવનારાઓને એવોર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાંત અધિકારીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણે આઝાદી અપાવનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને આ પ્રસંગે યાદ કરી તેમને નમન કરવા જોઈએ તેઓ દ્વારા જ આપણને બ્રિટીશ રાજથી આઝાદી અપાવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તેમણે હર ધર તિરંગા થકી દેશભક્તિ વધશે હોવાનું જણાવ્યું હતું. આજે સમગ્ર વિશ્વ પણ એકતાના પ્રતીક તરીકે ભારતને જુએ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશ સેવાના અનેક વિકલ્પ છે વીજળી બચાવો, પાણી બચાવો, વૃશ્રો વાવો, અન્નનો બગાડ કરવો નહીં વિગેરે થકી પણ દેશ સેવા થઈ શકે છે.
મામલતદાર ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ મામલતદાર આર.આર. ચૌધરી, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, અલી અન્સારી,મામલતદાર કચેરીનો સ્ટાફ તથા તાલુકા કક્ષાના અધિકારીઓ, શિક્ષકો, બાળકો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
એવી જ રીતે પારડી નગરપાલિકા ખાતે પણ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ રાઠોડે ધ્વજવંદન કર્યું હતું. આ ધ્વજવંદન કાર્યક્રમમાં પારડીના પ્રબુદ્ધ નાગરિકો નગરપાલિકાના સદસ્યો કર્મચારીઓનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં નગરજનો આ ધ્વજ વંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ નગરના વિકાસના કામો વિશે માહિતી નગરજનોને આપી સૌને આજના સ્વતંત્ર દિનની શુભેચ્છા પાઠવી હતી.