(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના અથાલ વિસ્તારમાં આવેલ સ્વાતિઇન્ટીરીયર કોન્સેપ્ટ નામની ફેક્ટરીના કેમ્પસમાં શીલ પ્રોકોન પ્રા. લી. નામની કન્ટ્રક્શન કંપની દ્વારા કરવામા આવી રહેલ નિર્માણાધીન બીલ્ડીંગનું કામ કરતી વખતે ત્રીજા માળેથી પડી જતાં 31વર્ષિય જયેશભાઈ કરશનભાઈ પટેલ નામના કર્મચારીને ગંભીર ઈજા પહોંચી હતી, તેમનું સારવાર દરમ્યાન આજે તેનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જયેશભાઈ પટેલ (ઉ.વ.31) રહેવાસી વાઘછીપા, પારડી, જિલ્લો વલસાડ. જે અથાલની શીલ પ્રોકોન પ્રા. લી. નામની કન્ટ્રક્શન કંપનીમાં ત્રીજા માળે કામ કરી રહ્યો હતો તે સમયે અચાનક કોઈક કારણસર ઉપરથી નીચે જમીન પર પટકાયો હતો જેમાં એને ગંભીર ઇજા થઈ હતી. આ ઘટના જોતા આજુબાજુમાં કામ કરતા કર્મચારીઓ અને કંપનીમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમ્યાન જયેશભાઈનું મોત થયું છે.
જયેશભાઈના સહયોગી અને સગાવાળાએ આરોપ લગાવ્યો છે કે કંપની દ્વારા સેફટીના સાધનોના અભાવે અને કંપનીની લાપરવાહીના કારણે અમારા જયેશનું મોત થયું છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.
