(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16
સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા ભામટી ખાતે યોજાયેલ 76મા સ્વાતંત્ર્ય દિન પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તિરંગો લહેરાવ્યા બાદ વિદ્યાર્થીઓને સ્વચ્છતાની આદત પાડવા ટકોર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમારા ઘરે પણ મમ્મી-પપ્પા કે દાદા-દાદીને કચરો ગમે ત્યાં ફેંકવા નહીં પરંતુ કચરા ટોપલીમાં જ નાંખવા અને સૂકો તથા ભીનો કચરો અલગ અલગ કરવા સમજણ આપવા જણાવ્યું હતું.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના વક્તવ્યમાં યાદ અપાવતા જણાવ્યું હતું કે, આ ભામટી શાળામાં જ હું ધોરણ 1 થી 7નો અભ્યાસ કર્યો છે. આ શાળા પ્રત્યે મને હંમેશા અંગત લાગણી રહી છે. તેમણે વિદ્યાર્થીઓને ખુબ મહેનત કરવા અને મોબાઈલ ફોનથી દૂર રહેવા સલાહ આપી હતી.
આ પ્રસંગે પ્રાથમિક શાળાના ઈન્ચાર્જ આચાર્યા શ્રીમતી પ્રેમિલાબેન ટંડેલ અને ઉચ્ચ પ્રાથમિક શાળાનાઈન્ચાર્જ આચાર્યા શ્રીમતી દીપ્તીબેન ભગત, ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, સહિત સ્કૂલ મેનેજમેન્ટ કમીટિના સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—————