સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના જાહેર બાંધકામ વિભાગ તથા પંચાયતે લક્ષ્ય પ્રાપ્તિ માટે કરેલા અથાક પ્રયાસોનું મળેલું પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલયના ‘જલ જીવન મિશન’ અંતર્ગત દેશમાં લાગુ કરેલી ‘હર ઘર નલ સે જલ’ યોજનામાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે 100 ટકા લક્ષ પ્રાપ્ત કરી ગોવાની સાથે સંયુક્ત રીતે સર્વપ્રથમ રહેવાનું બહુમાન પ્રાપ્ત થયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના જાહેર બાંધકામ વિભાગ તથા પંચાયતે લક્ષ્ય પ્રાપ્તિ માટે કરેલા અથાક પ્રયાસોના પરિણામે દેશના દરેક રાજ્યો અને સંઘપ્રદેશોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ 100 ટકા લક્ષ પ્રાપ્તિ કરવામાં ગોવાની સાથે સંયુક્ત રૂપથી પ્રથમરહ્યું છે.
દાદરા નગર હવેલી જિલ્લાના 52353 ઘરો, દમણ જિલ્લાના 27451 ઘરો અને દીવના જિલ્લાના 5352 ઘરોમાં પૂર્ણ રૂપથી ‘હર ઘર નલ સે જલ’ અંતર્ગત લાભાન્વિત કરાયા છે. ત્રણેય જિલ્લાની પ્રત્યેક સ્કૂલો, આંગણવાડી કેન્દ્રો અને આશ્રમ શાળાને પણ આ યોજના અંતર્ગત સામેલ કરાયા છે.
ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે સંઘપ્રદેશને મળેલી ઉપલબ્ધિ બદલ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ નાગરિકોને હાર્દિક અભિનંદન પાઠવી તેમને શુભકામના પણ આપી છે.