વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 18: 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતાને 75 વર્ષ પૂરા થતાં સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હતો. જે અંતર્ગત વલસાડના તિથલ રોડ પર આવેલી રીના પાર્ક સોસાયટીના રહીશોએ 75 વર્ષ પૂરા કરનારા સોસાયટીના 9 સદસ્યનું પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડી જાહેર સન્માન કર્યું હતું.
છેલ્લા 39 વર્ષથી રીનાપાર્ક સોસાયટીના રહીશો પરંપરાગત જાહેર તહેવારો અને ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે. આ વર્ષે દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ સુધી સોસાયટીના તમામ રહીશોએ દેશપ્રેમની ભાવના સાથે પોતાના ઘરે બાલ્કનીમાં, ટેરેસ પર અને સોસાયટીના પરિસરમાં ઠેર ઠેર તિરંગો લહેરાવી પ્રધાનમંત્રીની જાહેર અપીલને ચરિતાર્થ કરી હતી. 15મી ઓગસ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન ધો.12 બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવનાર સોસાયટીની દીકરી મિરાત સોલંકીના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ નાના નાના ભૂલકાઓએ પોતાની કાલી ઘેલી ભાષામાં સ્વાતંત્ર્ય વીરોની યશગાથા વર્ણવી હતી. 75 વર્ષીય વડીલો અને માતાઓનું આજના ખાસ પ્રસંગે સોસાયટી પ્રમુખ સંજય નાયક અને હોદ્દેદારોના હસ્તે બહુમાન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ સ્વાતંત્ર્યપર્વના સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધો.3 અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરતા અને સરહદના સિપાઈની ભૂમિકા અદા કરતા ચરિત પટેલે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીના પ્રમુખ સહિત તમામ હોદેદારો, નાના ભૂલકાઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
-૦૦૦-