(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંધ ખાતે નારી સંરક્ષણ કેન્દ્ર/ગૃહોમાં પિડીત બહેનોને આશ્રય આપવામાં આવે છે. અને તેઓને પુનઃસ્થાપન કરવાની માનવતાનું કામ કરવામાં આવે છે.
જલાલપોર પોલીસ સ્ટેશન અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા વર્ષ-2019માં એક મૂકબધિર અને માનસિક અસ્થિર મગજની અજાણી બહેનને નારી સંરક્ષણ કેન્દ્ર ખુંધ, ચીખલી ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.
ખુંધ નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર ભાવિનાબેન અને તેમનીટીમ દ્વારા મૂકબધિર બહેનને ઘરના એક પરિવારની જેમ દેખરેખ રાખી હતી. મૂકબધિર બહેનને ખૂબ જ પ્રેમથી તેનું નામ જાણવા પ્રયત્ન કર્યો હતો. ધીમે ધીમે મૂકબિધર બહેન સ્વસ્થ થતાં તેઓએ પોતાનું નામ પુષ્પાબેન રમણભાઈ પટેલ લખીને જણાવ્યું હતું. બહેને પોતાનું નામ લખી બતાવતાં નારી સંરક્ષણ કેન્દ્રની ટીમને એક આશાનું કિરણ મળી ગયું. ત્યારબાદ બહેનના આધારકાર્ડની પ્રક્રિયામાં ડી-ડુપ્લીકેશન માટે બાયોમેટ્રિક દરમિયાન બહેન આણંદ જિલ્લાના ખાંધલી ગામની વતની હોવાનું જાણવા મળ્યું હતું. ટીમ દ્વારા ખાંધલી ગામના સરપંચશ્રીનો સંપર્ક કરી બહેન વિશે જાણકારી મેળવી અને તેમની માતા જોડે વાતચીત કરી ખાત્રી કરી હતી.
ખુંધ નારી સંરક્ષણ કેન્દ્રની ટીમ દ્વારા આગળની કાર્યવાહી અર્થે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ મંજૂરી લીધી હતી. જિલ્લા કલેકટરશ્રીની મંજૂરી મળ્યા બાદ તમામ આધાર પુરાવા લઈને મૂકબધિર બહેનને તેમની માતા મંજુલાબેન રમણભાઇ પટેલને તા. 12/09/2022 ના રોજ સોંપવામાં આવી હતી. પોતાની ખોવાયેલી પુત્રી પરત મળતાં બહેનના કુટુંબમાં આનંદની લાગણી ફેલાઇ હતી. માતા અને તેમના પરિવારે નારી સંરક્ષણ કેન્દ્ર ખુંધ તેમજ જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
