ઢોર પકડવાનું અભિયાન રોજ ચલાવાશે : બે એન.જી.ઓ.ને સોંપેલી કામગીરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: વલસાડ સહિત જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં રખડતા ઢોરની સમસ્યા હદ વટાવી ચૂકી છે ત્યારે વ્યાપક ફરિયાદો બાદ વલસાડ નગરપાલિકાએ આજે રખડતા ઢોરોને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરી 10 જેટલા રખડતા ઢોરોને પાંજરાપોળમાં શિફટ કરવામાં આવ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટની રખડતા ઢોરો માટેની કડક આલોચના બાદ રાજ્ય સરકાર એકશનમાં આવી ચૂકી હતી. તાકીદે કેબિનેટ મીટિંગ બોલાવીને રાજ્યભરમાં રખડતા ઢોરો વિરૂધ્ધ કામગીરી કરવામાં દરેક મ્યુનિસિપલ અને નગરપાલિકાઓને ફરમાન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત વલસાડ નગરપાલિકા રખડતા ઢોરોને નિયંત્રિત કરવા માટે બે એન.જી.ઓ.ને કામગીરી સોંપી છે. પ્રાણી ફાઉન્ડેશન અને અગ્નિવિર ગૌરક્ષક સમિતિ શહેરમાં રખડતા, ટ્રાફિક જામ કરતા અને અકસ્માતો સર્જતા રખડતા ઢોરોને પકડી પકડી પાંજરાપોળમાં શિફટ કરશે તે અન્વયે આજે 10 જેટલા રખડતાઢોરને શિફટ કરાયા હતા. પાલિકાએ પશુ માલિકોને જાહેર અપીલ કરી છે કે તમારા ઢોર તમારા કબજામાં રાખો, છૂટા મુકી દેશો તો તેની વિરૂધ્ધ પાલિકા કાર્યવાહી કરશે.