યજ્ઞ સ્થળે પ્રગટેશ્વર ધામના ધર્માચાર્ય પૂ. પ્રભુદાદાના સાનિધ્યમાં ધજારોહણ કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10
પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માચાર્ય પૂ. પ્રભુદાદા અને રમાબાના સાનિધ્યમાં તા.3જી મે, 2022, અખાત્રીજના શુભ દિવસે નાશિક તીર્થ ક્ષેત્રે પવિત્ર ગોદાવરી નદી કિનારે 1008 કુંડી શ્રીરામ યજ્ઞ યોજાશે. આ યજ્ઞના પ્રથમ ચરણમાં આજે રામનવમીના પવિત્ર દિવસે યજ્ઞસ્થળે ધજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. આ શુભ કાર્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાત શિવ પરિવારના શિવભક્તોએ ઉમંગભેર ભાગ લઈ ભગવાન શ્રીરામને યજ્ઞમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું.
ધજારોહણ અને ગોદાવરી નદીની આજુબાજુમાં આવેલા વિવિધ મંદિરો માટે લાવવામાં આવેલી ધજાઓની વિધિપૂર્વક પૂજા-અર્ચન કરી કાલારામજી મંદિર સહિત વિવિધ મંદિરોમાં જય શ્રીરામના નારા સાથે પદયાત્રારૂપે ફરીને દર્શન કર્યા હતા અને મંદિર માટેની ધજા અર્પણ કરી હતી, માતાજીના મંદિરમાં પ્રગટેશ્વર ધામની સાડી અર્પણ કરવામાં આવી હતી અને 1008 કુંડી શ્રીરામ યજ્ઞમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું હતું.
આ અવસરે વહેલી સવારે શિવ પરિવારની બહેનોએ ગોદાવરી નદીના તટે 1008 દીવડા પ્રગટાવીગોદાવરી માતાને પ્રસન્ન કરી યજ્ઞ કાર્ય વિના વિઘ્ને પૂર્ણ થાય તેવા આશીર્વાદ મેળવ્યા હતા.
આ અવસરે ધર્માચાર્ય પ્રભુદાદાએ તીર્થભૂમિ નાશિક પંચવટી ગોદાવરી નદીને દંડવત પ્રણામ કરી શ્રીરામ જન્મોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, ભગવાનની કૃપા અને માતા-પિતાના આશીર્વાદ હોય તેમને જ આવા યજ્ઞમાં સહભાગી બનવાનો અવસર મળે છે. તીર્થ સ્થળ ઉપર જપ, તપ, યજ્ઞ વગેરે કર્મ કરવા પહેલાં જે તે સ્થળની પરવાનગી લેવી પડે છે તો જ તે કાર્ય સફળ થાય છે. આજનો રામનવમીનો દિવસ ખૂબ જ પવિત્ર છે, જેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. ગોદાવરી માતાનું માહાત્મ્ય છે, અહીં સતકર્મ કરી મેળવેલું પુણ્ય ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધે છે. સંપૂર્ણ ફળ મળે તે પ્રકારે યોગ્ય દિવસ પસંદ કરી વિવિધ તીર્થસ્થાન ઉપર યજ્ઞ યોજવામાં આવ્યા છે. આગામી યજ્ઞમાં ભાગ લેનારને ક્ષય ન થાય તેવું ફળ મળે તેવા શુભ આશયથી તા.3જી મે, 2022ને અક્ષય તૃતીયાના અતિ શુભ દિવસે પવિત્ર નાશિક તીર્થમાં ગોદાવરી નદીના કાંઠે 1008 કુંડી શ્રીરામ યજ્ઞ કરવામાં આવશે, જ્યાં શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણના પવિત્ર પગલાં પડયાં હતાં. આ યજ્ઞમાં સૌને ભાગ લઈ જન્મોજન્મનું પુણ્યનું ભાથું બાંધી લેવા તેમણે સૌને જણાવ્યું હતું.
પ્રગટેશ્વર ધામના ગોરમહારાજ શ્રી અનિલભાઈ અને શ્રી કશ્યપભાઈએ સંપૂર્ણ વિધિ વિધાનથી ધજારોહણ કાર્યને સંપન્ન કરાવ્યું હતું.
આ શુભ અવસરે મહારાષ્ટ્ર શિવ પરિવારના પ્રમુખ શ્રી આર.કે.ખાંદવે, ગુજરાત શિવ પરિવારના પ્રમુખ શ્રી બીપીનભાઈ પરમારે 1008 કુંડી શ્રીરામ યજ્ઞમાં ભાગ લેવા સૌને આમંત્રણ પાઠવ્યું હતું અને યજ્ઞના કાર્યમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે મહારાષ્ટ્ર-ગુજરાત શિવ પરિવારના શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.