તમાકુ કોથળા પાવડર મશીન મળી 49 લાખનો મુદ્દામાલ જપ્ત : ગોડાઉન ભાડે રખાયું હતું
(વર્તમાન પ્રવાહવાપી બ્યુરો)
વાપી, તા.28: ભરૂચ, વડોદરામાં વિપુલ પ્રમાણમાં ઝડપાયેલ એમ.ડી. ડ્રગ બાદ ગુજરાત ભરની પોલીસ એલર્ટ મોડ પર છે. વલસાડ પોલીસ બંધ કંપનીઓ અને ગોડાઉનમાં ચેકીંગ કરી રહી છે. આ અભિયાન અંતર્ગત વાપી જીઆઈડીસી પોલીસે જીઆઈડીસી સેકન્ડ ફેઈઝ સ્થિત એક બંધ ગોડાઉનમાં તપાસ કરતા ગેરકાયદેસર તમાકુ પેકીંગ કરતી કંપની ઝડપાઈ હતી.
જીઆઈડીસી પોલીસ પી.આઈ. વી.જી. ભરવાડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.જે. પટેલે ટીમ સાથે સેકન્ડ ફેઝ પ્લોટ નં.245 માં કાર્યરત એકતા એન્ટરપ્રાઈઝનું ગોડાઉન તપાસ્યુ હતું. તાળા મારેલ હોવાથી માલિક એમ.ટી. વધાસ રહે.ગોકુલ વિહારની સ્થળ પુછપરછ કરતા ગોડાઉન 2 વર્ષથી ગુલાબસીંગ રાજાવત રહે.રાજસ્થાનને ભાડે આપેલ છે. તેવી વિગતો બહાર આવી હતી. પોલીસે ગુલાબસીંગનો મોબાઈલ સંપર્ક કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. પોલીસે ગોડાઉનના તાળા તોડી તપાસ કરી તો એલ્યુમિનિયમના તપેલા, જાળી, ઈલે. ગ્રાઈન્ડર મશીન, વજન કાંટા, તમાકુ પાવડર વિગેરે મળી આવેલ 49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શંકાસ્પદ લાગતા મુદ્દામાલથી પોલીસે અનુમાન કર્યુ છે કે અહીં ગેરકાયદે તમાકુ પેકીંગની કામગીરી ચાલતી હતી. મુખ્ય આરોપીની તપાસ ચાલુ છે.