બસ રાતે અમદાવાદથી ઉપડી ઔરંગાબાદ જવા નિકળી હતી : મળસ્કે કપરાડા-નાસિક માર્ગમાં અકસ્માત સર્જાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: કપરાડા-નાસિક માર્ગ અકસ્માત ઝોન બની ચુક્યો છે. આજે બુધવારે મળસ્કે અમદાવાદથી નિકલી ઔરંગાબાદ જઈ રહેલી કાનગી લક્ઝરી બસનું ટાયર ફાટતા બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં 6 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા જ્યારે એકની સ્થિતિ ગંભીર હોવાથી સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે રાતે અમદાવાદથી ગુજરાત ટ્રાવેલ્સની લક્ઝરી બસ નં.જીજે 1 એફટી 4641 મહારાષ્ટ્ર ઔરંગાબાદ 30 જેટલા મુસાફરોને લઈને નિકલી હતી. આજે બુધવારે મળસ્કે બસ કપરાડા નાસિક માર્ગ ઉપર પસાર થઈ રહી હતી ત્યારેસામેથી પુરઝડપો આવી રહેલ વાહન સાથે અકસ્માત ના સર્જાય તેથી ચાલકે બસ સાઈડમાં ઉતારવા જતા અચાનક ટાયર ફાટી જતા બસ પલટી મારી ગઈ હતી તેથી સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બસમાં મીઠી નિંદર માણી રહેલા મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી. સ્થાનિકોએ એમ્બ્યુલન્સ બોલાવી છ જેટલા ઘાયલ મુસાફરોને કપરાડા સી.એચ.સી. તેમજ સુથારપાડા સી.એચ.સી. ખસેડાયા હતા. અકસ્માતમાં વડોદરા વાઘોડીયાના પ્રકાશ લલ્લુભાઈ પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે તેમનું કરુણ મોત નિપજ્યું હતું. કપરાડા પોલીસે અકસ્માત ગુનો દાખલ કરી બસને ક્રેઈન વડે બહાર કાઢી હતી.