(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ વાપીમાં દરેક વિદ્યાર્થીઓને ભણતરની સાથે રમત – ગમત, લીડરશીપ તેમજતેમની આંતરીક કલાઓ તેઓ પારખી શકે તેમજ વિકસીત કરી શકે તે માટે પણ ઉમદા તાલીમ આપવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો પણ દરેક ક્ષેત્રે ઉચ્ચ-કોટીનું પ્રદર્શન કરી આ શબ્દો યથાર્થ સાબિત કરે છે. કલા મહાકુંભ અંતર્ગત વલસાડ જિલ્લાની જુદા જુદા કક્ષાઓ માટે સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વલસાડ જિલ્લાના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી. આ સ્પર્ધામાં સદર કોલેજના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં એક પાત્રીય અભિનયમાં સુનાર રાજેશ સૂર્યા (એસ.વાય.બી.કોમ.) ને દ્વિતીય ક્રમ તથા ગઝલ શાયરીમાં ખાન અબ્દુલાહ અબ્દુલ વહાબ (એસ.વાય.બી.કોમ.) ને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં કોલેજનું નામ રોશન કર્યું હતું. આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીનીઓને તાલીમ તેમજ માર્ગદર્શન કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડો.સતવિન્દરકૌર ધંજલ, મીસ. મીનુ ચૌધરી, તેમજ મી. ભરત દીક્ષિતએ પુરૂ પાડયુ હતું. આમ સમગ્ર વલસાડ જિલ્લામાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના ટ્રસ્ટીગણ તેમજ કોલેજના આચાર્ય ડો.પૂનમ બી. ચૌહાણે વિદ્યાર્થીઓને અભિનંદન આપી જીવનમાં આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી હતી.