પૂજારી નિલેશ ઓઝા પ્રતિ વર્ષે ચારધામની ટુરનું આયોજન કરતા રહેતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વાપી જીઆઈડીસી અંબામાતા મંદિરના પૂર્વ પૂજારી વાપીથી ચારધામની યાત્રા લઈ નિકળ્યા હતા. ગંગોત્રી પહેલા રોકાણ કર્યું હતું ત્યાં હૃદય રોગનો હુમલો થતા તેમનું નિધન થયું હતું. જેને લઈ પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
વાપી જીઆઈડીસી અંબામાતા મંદિરમાં લાંબો સમય પૂજારી તરીકે ફરજ બજાવેલા પૂર્વ પૂજારી નિલેશ ઓઝા છેલ્લા કેટલાક સમયથી ચારધામ યાત્રાનું આયોજન કરતા રહેલા તેમજ નિલકંઠ ટ્રાવેલ્સ ચલાવતા હતા. આ વર્ષે વાપીથી 6 સપ્ટેમ્બરના રોજ ચારધામની યાત્રા કરવા વાપીથી 35 યાત્રિકો સાથે નિકળ્યા હતા. યાત્રામાં ગંગોત્રીથી 20 કિલોમીટર પહેલા યાત્રિકોએ રોકાણ કર્યું હતું ત્યાં નિલેશભાઈને અચાનક છાતીનો દુખાવો થતા હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં તેમનું નિધન થયું હતું. સ્વજનો હવાઈ માર્ગે ગંગોત્રી જવા નિકળી ગયા હતા. જાણકારી મુજબ તેમની અંતિમ વિધી પણ ત્યાં જ કરવામાં આવનાર છે. મંદિરની પૂજા છોડયા બાદ તેઓ ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા હતા. નિલેશભાઈના અવસાનને લઈ વાપી બ્રહ્મ સમાજમાં આઘાતની લાગણી પ્રસરીગઈ હતી.