January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

  • મહિલાઓ આત્મનિર્ભર બને અને સ્વમાનભેર જીવન જીવી શકે તેની ચિંતા વડાપ્રધાનશ્રીએ કરી છેઃ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

  • કેશ ક્રેડિટ કેમ્પમાં 739 સ્વસહાય જુથોને રૂ. 8.91 કરોડની લોન સહાય ચૂકવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 17: રાજ્ય સરકાર દ્વારા તા. 12મી સપ્ટેમ્બરથી શરૂ કરાયેલી વિશ્વાસથી વિકાસ યાત્રાના આજે છઠ્ઠા દિવસે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના 72 માં જન્મદિન નિમિત્તે વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ ખાતે ‘કેશ ક્રેડીટ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 739 સ્વસહાય જૂથોને રૂ.8.91 કરોડની લોન સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, મહિલા શક્તિને સશક્ત કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં મહિલા અને બાળ વિકાસનો વિભાગ શરૂ કરી નવી પહેલ કરી હતી. ઘર સંભાળતી મહિલાઓ કેવી રીતે આત્મનિર્ભર બની પોતાનું જીવન સ્વામાનભેર જીવી શકે તેની ચિંતા આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી મહિલાઓના ઉત્થાન માટે વિવિધ યોજનાઓ શરૂ કરી છે. સ્વસહાય જૂથોને સરકારે ધિરાણ કરી તેનો વ્યાપ છેવાડના ગામડાની બહેનો સુધી પહોંચે તે માટેના સફળતાપૂર્વક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ મહિલાઓને સપોર્ટ મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં ડેરી ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે તે અભિનંદનને પાત્ર છે. તેમાં બહેનોનો ફાળો મહત્વનો છે. મોટાભાગની દૂધ મંડળી બહેનો ચલાવે છે. આ મંડળીઓને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના ચેક દૂધ ઉદ્યોગ તરફથી આપવામાં આવે છે. આ રીતે બહેનોની શક્તિનો સુંદર ઉપયોગ થઈ રહ્યો છે. બહેનો આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર બની પોતાનું જીવન તો આગળ વધારે સાથે સાથે બાળકોને પણ ભણાવી ગણાવીને સમાજમાં આગળ વધારે એ માટેના પ્રયત્નો સરકાર કરી રહી છે. ત્યારે આપ સૌ સ્વસહાય જૂથના સભ્યો તરીકે સામેલ થઈ કુટુંબ, સમાજ અને ગામનો વિકાસ કરવા માટે એક થયા છો તે અભિનંદનને પાત્ર છે.
મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચન બાદ સ્વસહાય જૂથના વિકાસ અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદના વસ્ત્રાલ ઓડિટોરીયમ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત રહેલી જનમેદનીએ નિહાળ્યું હતું. સખીમંડળોને પ્રતિકાત્મક સ્વરૂપે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે કેશ ક્રેડીટ, રીવોલ્વીંગ ફંડના ચેક આપવામાં આવ્યા હતા સાથે લાભાર્થીઓને PMJAY નાં કાર્ડ પણ આપવામાં આવ્યા હતા. આરોગ્ય ખાતા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું હતું.
વલસાડ સાસંદશ્રી ડો.કે.સી.પટેલે જણાવ્યું કે, આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈએ પહેલા સૌનો સાથ, સૌનો વિકાસનો મંત્ર આપ્યો ત્યાર બાદ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ મંત્ર આપ્યો છે. જેના પર પ્રજાનો વિશ્વાસ બેસ્યો છે અને પ્રજા હિતમાં અનેક વિકાસ કાર્યો પુરજોશમાં ચાલી રહ્યા છે. એકસો વર્ષ પહેલા સ્પેનિસ ફ્લુ (મરકી)ની મહામારી આવી હતી ત્યારે માંદગી કરતા ભૂખમરાના કારણે વધુ મૃત્યુ થયા હતા. પરંતુ હાલમાં કોરોનાકાળ દરમિયાન વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિના લીધે દેશવાસીઓને કોરોનાની રસીકરણ નિઃશૂલ્ક કરાવ્યુ તેમજ દેશના ગરીબોને નિઃશૂલ્ક અનાજ અપાયું હોવાથી કોરોના મહામારીમાં ભૂખમરાના કારણે એક પણ મૃત્યુ થયુ નથી. અનેક પડકારો વચ્ચે પણ આપણા દેશનું અર્થતંત્ર વિશ્વમાં મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવતા વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે જણાવ્યું કે, આપણા પ્રધાનમંત્રીશ્રીની દિર્ઘદ્રષ્ટીના કારણે દેશમાં જન જનનો વિકાસ થયો છે. સુશાસન થકી દેશને નવી ઉંચાઈ પર લઈ જઈ છેવાડાના લોકોનો વિકાસ સાધ્યો છે. નારીનું ગૌરવ જળવાઈ રહે તે માટે દરેક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણ સાથે નારી શક્તિનું ઉત્થાન કર્યું છે. વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કમલેશસિંહ ઠાકોરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન એ.પટેલ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઈ ગરેલ, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સની પટેલ, પાલિકાના ચીફ ઓફિસર સંજય સોની સહિત અનેક અધિકારી-પદાધિકારી અને મોટી સંખ્યામાં સખી મંડળોની બહેનો ઉપસ્થિત રહી હતી.
સ્વાગત પ્રવચન પ્રાયોજના વહીવટદાર એ.કે.કલસરીયાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ ડી.એલ.એમશ્રી રોહન શાહે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિબેન દેસાઈ અને ખુશ્બુ પટેલે કર્યું હતું.
-000-

Related posts

વાપી ટાઉન પોલીસે ટુ-વ્‍હીલર ચોરતી-ખરીદતી ગેંગના છ આરોપી ઝડપી 3 વાહનો કબ્‍જે કર્યા

vartmanpravah

ચીખલી તાલુકા ભાજપ દ્વારા પુરગ્રસ્‍તો માટે 1પ00 અનાજની કિટ અને 1700 ફૂટ પેકેટોનું વિતરણ કરાયું

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

વલસાડ જિલ્લા સંત સમિતિની રચના : હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે 20 નવે.ના શનિવારથી યોજાનારી શિવ કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શન

vartmanpravah

Leave a Comment