(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.20: આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય મેયર્સ કોન્ફરન્સનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉદ્્ઘાટન કર્યું હતું. આ સંમેલનમાં દેશભરમાં ભાજપ શાસિત શહેરી સ્થાનિક સંસ્થાઓના 121 મેયર અને ડેપ્યુટી મેયર તથા નગરપાલિકાઓના પ્રમુખ-ઉપ પ્રમુખો આ બે દિવસીય કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.
આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘સૌનો સહકાર, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ ભાજપે જે વૈચારિક પેટર્ન અપનાવી છે, તે આપણું મોડેલ અન્ય લોકોથી અલગ પાડે છે.
વડાપ્રધાને આજે શહેરોના વિકાસ, મેટ્રો નેટવર્ક સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણા દેશના નાગરિકો ઘણા લાંબા સમયથી શહેરોના વિકાસ માટે ભાજપ પર વિશ્વાસ કરી રહ્યા છે તેને સતતજાળવી રાખવાની, તેને વધારવાની જવાબદારી આપણા સૌની છે.
2014 સુધી આપણા દેશમાં મેટ્રો નેટવર્ક 250 કિલોમીટરથી ઓછું હતું. આજે દેશમાં મેટ્રો નેટવર્ક 775 કિલોમીટરને વટાવી ગયું છે અને 1,000 કિલોમીટરના નવા રૂટ પર કામ ચાલી રહ્યું છે. અમારા શહેરોને સર્વગ્રાહી જીવનશૈલીનો એક ભાગ બનાવવાનો અમારો પ્રયાસ છે.
આજે 100થી વધુ શહેરોમાં સ્માર્ટ સુવિધાઓ બનાવવામાં આવી રહી છે. આ અભિયાનો હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં 75,000 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ એવા શહેરો છે જે ભવિષ્યમાં શહેરી આયોજનના લાઇટ હાઉસ બનવાના છે.
આ પ્રસંગે વડાપ્રધાને શહેરોમાં આગની ઝપેટમાં આવી રહેલી જૂની ઈમારતો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ઈમારતો તૂટી પડવી એ ખૂબ જ ચિંતાનો વિષય છે. જો નિયમોનું પાલન કરવામાં આવે તો તેનાથી બચી શકાય છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આયોજિત આ સંમેલનમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ત્રણ શહેરોના પ્રમુખ અને ઉપ પ્રમુખો આ સંમેલનમાં ભાગ લેવા ગાંધીનગર પહોંચ્યા છે. જેમાં દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલ બેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી આશિષ ટંડેલ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખશ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ શ્રી અજય દેસાઈ અને દીવ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકી, ઉપ પ્રમુખ શ્રી હરીશ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા સાથે પ્રદેશના પૂર્વ પ્રભારી અને ભાજપના રાષ્ટ્રીય મંત્રી શ્રીમતી વિજયા રાહટકરની ખાસ ઉપસ્થિતિ રહી હતી.