(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.17: પારડી નેશનલ હાઈવે પરથી ગત રાત્રીના સાડા અગિયારેક વાગ્યે સુરત તરફ જતું એક ટેન્કર નંબર જીજે-12-બીવી-3984ના ચાલકે દમણીઝાંપા હાઈવે પાસેના સોના દર્શન-2 સામે કોઈ કારણસર કાબૂ ગુમાવતા કદાવર ટેન્કર ધડાકાભેર હાઈવેની ગ્રીલ તોડી સર્વિસ રોડ પર 50થી 60 ફૂટ સુધી ઘસડાઈ પલટી મારી ગયું હતું. રાત્રીના અકસ્માતનો ધડાકાભેર અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જોકે અકસ્માત બાદ ટેન્કર ચાલક ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો. અને બીજી તરફ આ ટેન્કરમાંથી કેમિકલ પ્રવાહી ઢોળાતું હોય જેને લઈ અકસ્માત બાદ એકસમયે આગ લાગવા જેવી ભીતિ સર્જાતા આજુબાજુના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયોહતો.
આ બાબતની જાણ થતાં જ પારડી પી.એસ.આઈ ડી.એલ. વસાવા અને એ.ડી.ડોડીયા તેમના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને સૌ પ્રથમ ટેન્કર પાસેના બંને તરફના સર્વિસ રોડ બંધ કરાવ્યા હતા. અને પારડી ફાયરની ટીમને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તપાસના અંતે પોલીસને આ ટેન્કરમાં પેય ફલેક્ષ નામનું કેમિકલ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ બાબતની જાણ હાઈવે ઓથોરિટીને કરવામાં આવી હોવા છતાં કલાકો સુધી ફરકી ન હતી અને આખરે પોલીસે પ્રાઈવેટ ક્રેન મંગાવી પલટી મારેલા ટેન્કરને સાઇડે કરવાની કામગીરી હાથ ધરી હતી. અને આ સમયે કોઈ અઘટિત ઘટના ન સર્જાય માટે ફાયર ટીમ પણ ખડે પગે ઊભી રહી હતી.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/10/Damanizapa-highway-tenkar-960x446.jpeg)