દમણ આરએસએસના પથ સંચલનમાં અનુશાસન, શૌર્ય અને રાષ્ટ્રભાવનાનો જયઘોષ : ઠેર ઠેર કરાયેલી પુષ્પવર્ષા
સ્વયં સેવકોએ દિલિપનગર ગ્રાઉન્ડ ખાતે યોગાસન, વ્યાયામ યોગ, દંડયોગ અને શાખાઓમાં નિયમિત થતા સામુહિક સમતા કાર્યક્રમનું કરેલું પ્રત્યક્ષ નિર્દેશન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) દમણ દ્વારા સંઘના સ્થાપના દિવસના ઉપલક્ષમાં વિજયા દશમી શષા પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘોષ વાદકોની સાથે પથ સંચલન કરવામાં આવ્યું હતું.
તમામ સ્વયં સેવકો અનુશાસન અને રાષ્ટ્ર ભાવનાની સાથે મશાલ ચોક થઈ ઝરીમરી માતા મંદિર નાની દમણ બસ સ્ટેન્ડ, માર્કેટ ચાર રસ્તા, ત્રણ બત્તી થઈ દિલિપનગર ગ્રાઉન્ડ ખાતે પથ સંચલનનું સમાપન થયું હતું.
દિલિપનગર ગ્રાઉન્ડ ખાતે શષા પૂજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે સેમ્ફર્ડ સ્કૂલના ડાયરેક્ટર શ્રી અમરજીત સિંહ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિભાગીય કાર્યવાહક શ્રી પ્રકાશભાઈ ગાલા અને દમણના તાલુકા કાર્યવાહક શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા શષા પૂજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સ્વયં સેવકો દ્વારા યોગાસન,વ્યાયામ યોગ, દંડયોગ અને શાખાઓમાં નિયમિત થતા સામુહિક સમતા કાર્યક્રમનું પ્રત્યક્ષ નિર્દેશન કરવામાં આવ્યું હતું.
મુખ્ય અતિથિ સેમ્ફર્ડ સ્કૂલના ડાયરેક્ટર શ્રી અમરજીત સિંહે સંઘની પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી અને રાષ્ટ્ર ભાવના સાથે સમાજમાં સમરસતા પેદા કરવા થઈ રહેલા કાર્યની પ્રશંસા પણ કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, શ્રી અસ્પિભાઈ દમણિયા, શ્રી પ્રમોદભાઈ દમણિયા, ભાજપના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પથ સંચલન દરમિયાન સ્વયં સેવકો પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી.