શનિ-રવિએ ભાઠેલા પ્લોટમાં રમઝટ-22નું આયોજન કરાયું હતું : શનિવાર સવારથી જ રામકુમાર ભૂગર્ભમાં : પોલીસ ફરિયાદ નોંધાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપીમાં રમઝટ ગૃપ બનાવી શનિ-રવિએ ચલા ભાઠેના પ્લોટમાં ધમાકેદાર રાસ ગરબાની ઈવેન્ટનું આયોજન કરનાર રામકુમાર દવે લોકોના 18 લાખ ઉપરાંતનો ચુનો લગાવી ફરાર થઈ ગયો છે. રમઝટ 2022નો ઈવેન્ટ ફલોપ શો નહી પણ રીતસર રૂપિયા બનાવાનો કીમીયો અજમાવી આયોજક મી.નટવરલાલ ફરાર થઈ જતા પાર્ટી પ્લોટના સંચાલકે વાપી ટાઉન પોલીસમાં રામકુમાર દવે વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
પાર્ટી પ્લોટના માલિક, સંચાલક તથા ધર્મેશ પારડીવાલા યતીન શાહ જેવા મિત્રો સંબંધીઓ રામકુમાર દવેએ શનિ-રવિ શરદ પૂનમના દિવસે સુપર ડુપર રાસ ગરબા રમઝટ-22 નો પ્લાન રજૂ કર્યો તેમજ વડોદરા અને મુંબઈથી ગાયક કલાકારો લાવી ધમાકેદાર રાસ ગરબા ઈવેન્ટના સપના બતાવ્યા.મંડપ, સાઉન્ડ, ડેકોરેટર્સ, પાર્ટી પ્લોટ વિગેરેને સાઈનીંગ થોડી થોડી રકમ આપી પ્રોજેક્ટ રામકુમાર દવેએ આગળ ધપાવ્યો. પ્રેસ કોન્ફરન્સ, જાહેરાતોમાં જોર લગાવી એડવાન્સ બુકીંગ ટિકિટોના પૈસા બટોરવાનું શરૂ કરી દીધું. અંતે શનિ-રવિએ બે દિવસ ઈવેન્ટ યોજાવાનો હતો તે પહેલા રામકુમાર ભૂગર્ભમાં ચાલી ગયો, તેનો મોબાઈલ બંધ આવતા પ્લોટના સંચાલક સમીર પટેલ રામકુમાર દવેના રહેઠાણ પ્રમુખ રેસીડેન્સી ફલેટ નં.એસ 405માં પહોંચી તપાસ કરી તો ફલેટને તાળા લાગી ગયા હતા. તેથી સમીરભાઈને ખ્યાલ આવી ગયો કે મોટો ફ્રોડ થયો છે તેથી ટાઉન પો.સ્ટે.માં રામકુમાર દવે વિરૂધ્ધ 18 લાખ ઉપરાંતની ઠગાઈ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.