(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી શરૂ થઈ ગાંધી જયંતી સહિત તા. 31 ઓક્ટોબર સુધીના સમયગાળા દરમ્યાન વિશેષરૂપે સ્વચ્છતા અભિયાનની ઉજવણીના ભાગરૂપે વલસાડ વિભાગના વલસાડ ડેપો, બીલીમોરા ડેપો, નવસારી ડેપો, વાપી ડેપો, આહવા ડેપો, ધરમપુર ડેપો સાથે વિભાગીય કચેરી અને વિભાગીય યાંત્રાલય સહિત ઠેર ઠેર સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
તારીખ 31 ઓક્ટબર સુધી ચાલનારા આ અભિયાનમાં જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો વિગેરેની સાફ સફાઇ હાથ ધરાઈ રહી છે. ત્યારે વલસાડ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલનાં માર્ગદર્શન હેઠળ વિભાગનાં તમામ ડેપો, વર્કશોપ, બસ સ્ટેશનો, કંટ્રોલ પોઈન્ટ સહિત વહીવટી કચેરીઓ ખાતે આજરોજ તા.18 સપ્ટેમ્બરે સામાજિક જન પ્રતિનિધિઓ સાથે મળી સામુહિક શપથ લઈ સ્વછતા અભિયાન 2024નો કાર્યક્રમ કરવાનું અને અન્યોને આ કાર્યક્રમમાં જોડવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જે ધ્યાને લઈ વિભાગના તમામ ડેપો મેનેજરશ્રીઓ અને સુપરવાઈઝરો સહિત સમગ્ર કર્મચારીઓ સક્રિય જોડાયા હતા.
તા.31-10-2024 સુધી વિશેષરૂપે ચાલનારી આ ઝુંબેશ દરમ્યાન સ્વચ્છતાસહિત રક્તદાન શિબિર, આરોગ્ય ચિકિત્સા શિબિર, શેરી નાટકો, વૃક્ષારોપણ, રેલીઓ, બસ અને બસ સ્ટેશનોની સંપૂર્ણ સફાઈ, પ્લાસ્ટિક મુક્તિ ઝુંબેશ, વોલ પેઈન્ટિંગ, સ્વચ્છતા દોડ, મુસાફર જનતા સાથે સ્વચ્છતા અંગે વાર્તાલાપ જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં માનવ સમુદાય, મુસાફર જનતા, સામાજિક સંસ્થાઓ, શ્રેષ્ઠિજનો અને જન પ્રતિનિધિઓ જોડાઈ રહ્યા છે.
આજે તમામ બસ સ્ટેન્ડ ખાતે સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી અને ઉપસ્થિત સમાજના પ્રેરક જન પ્રતિનિધિઓ સહિત કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં બસ સ્ટેન્ડ પરિસર, શૌચાલય, તેમજ બસ સ્ટેન્ડની વિવિધ કચેરીઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ મુસાફરોએ સ્વચ્છતા અંગેના શપથ પણ લીધાં હતાં.