અગ્નિવિર ગૌ સેનાના કાર્યકરો અને સ્થાનિકોનો આક્ષેપ : નાપાક તત્વો દ્વારા ગાયોને ટ્રેક ઉપર ખદેડી લવાઈ છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વલસાડ નજીક ડુંગરી શંકરતળાવ પાસે રવિવારે રાત્રે મુંબઈ-અમદાવાદ અને અમદાવાદ-મુંબઈ બન્ને ટ્રેક ઉપર 24 જેટલા ગૌવંશ ટ્રેન અડફેટે આવી જતા ઘટના સ્થળે જ તમામ ગાયોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. હિચકારી બનેલી ઘટનાની જાણ બાદ આર.પી.એફ, જી.આર.પી., અગ્નિવિર, ગૌરક્ષક સેના અને સ્થાનિકો ઘટના સ્થળે ધસી આવ્યા હતા. મુંગા જીવોની અરેરાટી ઉપજાવનારી ઘટના બાદ લોકોમાં રોષ સાથે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ નજીક ડુંગરી શંકરતળાવ નજીક રવિવારે રાત્રે રેલવેની અપ એન્ડ ડાઉન બન્ને ટ્રેક ઉપર આશરે 500 મીટરના અંતરમાં 24 જેટલી ગાયો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટી હતી. સ્થાનિકોને ઘટનાની જાણ થતા દોડીઆવ્યા હતા. આર.પી.એફ. જી.આર.પી. અને અગ્નિવિર ગૌ સેનાને જાણ કરાતા તમામ લોકો ઘટના સ્થળે દોડી આવી મૃત ગાયોને ટ્રેન ટ્રેક પરથી હટાવી હતી. આ હિચકારી ઘટના અંગે સ્થાનિકોએ સીધો આક્ષેપ કર્યો હતો કે અસામાજીક નાપાક તત્વો દ્વારા ગાયોને નહેર સમાંતર ખદેડી લાવી ટ્રેક ઉપર આંતરવામાં આવી છે. કારણ કે ઘટનાની આસપાસ અનેક તૂટેલી લાકડીઓ, બંબુ મળી આવ્યા છે. તેમજ અગાઉ પણ જોરાવાસણ સ્ટેશને આવી જ ઘટના દોઢ વર્ષ પહેલાં પણ ઘટી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.