
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ભાજપ દ્વારા કોંગ્રેસના ગઢમાં આજે વાંસદા તાલુકાના ઉનાઈ ખાતેથી ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા સાથે જ ગુજરાત ગૌરવ યાત્રાનો ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે દક્ષિણ ગુજરાતની આદિવાસી બેઠકો સાથે 14-જિલ્લાની 27-બેઠકો પર આદિવાસીઓને પ્રભાવિત કરી વિકાસની વાતો સાથે ભાજપ આદિવાસી ગૌરવ યાત્રા ઉમરગામથી અંબાજી સુધી ફરશે. આજની સભામાં 50 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, 1995 થી કોંગ્રેસ સત્તામાં ન હોય તો કઈ રીતે ગુજરાત રાજ્યમાં તેઓના કામ બોલે છે. તેઓ પ્રચાર કરી આપવાનો કટાક્ષ પણ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મફત વેક્સિન, અનાજ, ગેસ સહિતની મૂળભૂત સુવિધા આપી હોવાની વાત કરી હતી. આ વખતની વિધાનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાના અને ભૂપેન્દ્ર પટેલને ફરિવાર મુખ્યમંત્રી બનાવવા કાર્યકરોને સંકલ્પ લેવડાવ્યા હતા. સાથે ઉનાઈ ગામને ઉપહાર આપીને મંદિરનું નવનિર્માણ કરવાની વાત કરતા આદિવાસીઓએ તાળી પાડી વાતને વધાવી લીધી હતી. આગમી વિધાનસભાની ચૂંટણીને લઈને કાર્યકરો સાથે સમગ્ર આદિવાસી સમાજમાં વિશ્વાસ પૈદા કરવા માટે શ્રી અમિતભાઈ શાહએ ઉનાઈમાંથી હુકાર ભર્યો હતો.

