વાપી-વલસાડ જિલ્લા સહિત ગુજરાતમાં ચોમેર ડબલ એન્જિનની સરકારમાં તમામ ક્ષેત્રોમાં વિકાસથી ગતિશીલ ગુજરાત બની ચુક્યું છે : મંત્રી કનુભાઈ દેસાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: અંત્યોદયથી સર્વોદય સુધીની છેવાડાના માનવી સુધી વિકાસની ફલશ્રૃતિને ઉજાગર કરતી ગુજરાતભરમાં ‘ગુજરાત ગૌરવ યાત્રા’નું સમાંતર તમામ વિધાનસભા ક્ષેત્રોમાં આજથી પ્રારંભ થયો છે. વલસાડ, નવસારી જિલ્લાની ગૌરવ યાત્રા ઉનાઈ માતાના દર્શન સાથે સવારે 9 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહએ ગ્રીન સિગ્નલ અને આશિર્વાદ સાથે રવાના કરી હતી. ગૌરવ યાત્રામાં ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રવાસન યાત્રાધામ મંત્રી અને સુરતના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, સાંસદશ્રી ડો.કે.સી. પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ તેમજ ગૌરવ યાત્રા ઈન્ચાર્જ શ્રી હર્ષદ ધોરાજીયા સાથે વચ્ચે વચ્ચે વિસ્તારોના ધારાસભ્યો ગૌરવ યાત્રામાં જોડાયા છે.
આજે વલસાડ જિલ્લામાં બે સમાંતર યાત્રા નિકળી હતી, આદિવાસી ગૌરવ યાત્રા પણ નિકળી છે. ગૌરવ યાત્રાઉનાઈ, નવસારી, ચિખલી થઈ વલસાડ પહોંચી હતી. વલસાડમાં રામરોટી ચોકમાં યાત્રા સભામાં ફેરવાઈ હતી. ત્યારબાદ પારડી હાઈવે ઉપર યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. અંતે સાંજે 8 કલાકે યાત્રા વાપીમાં આવી પહોંચી હતી. રામલીલા મેદાનની પાસે ભવ્ય જાહેર જનસભા ખીચોખીચ ભરેલા માહોલમાં યોજાઈ હતી. જાહેર મંચ ઉપર વાપીના તમામ વિવિધ સમાજના અગ્રણીઓ તથા વેપારી આગેવાનો, સામજ શ્રેષ્ઠીઓ દ્વારા વાપીમાં યાત્રામાં પધારેલા મોંઘેરા મહેમાનો આગેવાનોનું સન્માન કરાયું હતું.
કાર્યક્રમનો પ્રારંભ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના સ્વાગત પ્રવચનથી થયો હતો. મંચ ઉપરથી નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમના પ્રવચનમાં વાપી સહિત વિકાસ ગાથાની રૂપરેખા આપતા જણાવ્યું હતું નાણામંત્રી તરીકે 2.43 કરોડ લાખનું જંગી વિકાસ બજેટ રજૂ કરવાનો લાભ મળ્યો અને તેથી ઉમરસાડીની પ્રોટાંગ જેટી પારડી સાયન્સ કોલેજ, વાપીની 115 કરોડની પાણી યોજના જેવા અનેક વિકાસ કામો સાથે ચોમેર ડબલ એન્જિનની સરકારે તમામ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે. અત્યંત સંવેદનશીલ પ્રવચન કરતા મંત્રી પુર્ણેશ મોદીએ આતંકવાદ, રશિયા-યુક્રેનમાંથી ભારતના વિદ્યાર્થીઓને વંદે ભારત અભિયાન હેઠળ યુધ્ધ વિરામ કરાવી લવાયેલ તે વડાપ્રધાન મોદીની મોટી સિધ્ધિને જગતભરભારોભાર વખાણ સાથે ભારત વિશ્વગુરુના દર્શન કરાવ્યા હતા.
મંચ ઉપરથી તમામ નેતા, પ્રધાનો અને સાંસદ સહિતના મહાનુભાવોએ ભારત સહિત ગુજરાતભરમાં આર્થિક, ધાર્મિક, આરોગ્ય યોજના એર સેવા, બુલેટ ટ્રેન અને વંદે ભારત ટ્રેન સાથે ગુજરાત ઓટો હબમાં આજે વર્ષે અમદાવાદ જિલ્લા ભરૂચમાં 10 લાખ ઉપરાંત કારોનું ઉત્પાદન થઈ રહ્યું છે. અનેક વિકાસની સિધ્ધિઓ વણી લેવા માટે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન થયું છે. આદિવાસી ગૌરવ યાત્રા અને ગૌરવ યાત્રાનું વાપીમાં રાત્રી રોકાણ છે. આવતીકાલ શુક્રવારે બન્ને યાત્રાઓ આગળના પ્રવાસે સવારથી નિકળી પડશે.