વિધાનસભા ચૂંટણી, સંગઠન માટે સુરત પાલિકા સહિત 7 જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉપલક્ષમાં ભાજપએ કમર કસી છે. ચૂંટણી રણનીતિ, સંગઠન અને વિવિધ માળખાકીય કામગીરીઓના આયોજન માટે આવતીકાલ તા.22 ઓક્ટોબરના રોજ વલસાડ ખાતે દક્ષિણ ગુજરાત ઝોનની મહત્ત્વની બેઠક યોજાનાર છે. જેમાં કેન્દ્રીય અને પ્રદેશ નેતાઓ તથા સંગઠનના પ્રમુખો, ધારાસભ્યો, સંસદ સભ્યો ઉપસ્થિત રહેનાર છે.
વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત કંસારાના જણાવ્યા મુજબ તા.22 ઓક્ટોબરના રોજ વલસાડમાં દક્ષિણ ગુજરાત ઝોનની મહત્ત્વની બેઠક યોજાનાર છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સહિતના ભાજપના આગેવાનો ઝોન મીટિંગમાં ઉપસ્થિત રહેવા છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા તથા સુરત મહાનગરપાલિકા વિસ્તાર દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ છે તેથી સંગઠનના તમામ પ્રમુખો, હોદ્દેદારો, તમામ સાંસદો,ધારાસભ્યો તથા સહકારી આગેવાનો વલસાડ ખાતે યોજાનારી મહત્ત્વાકાંક્ષી દક્ષિણ ઝોનની બેઠકમાં ઉપસ્થિત રહેનાર છે. વિધાનસભા ચૂંટણી, રણનિતી મનોમંથન તથા સંગઠન અને માળખાકીય બાબતો અંગે મહાનુભાવો ઉપસ્થિત સમસ્ત કાર્યકરોને માર્ગદર્શન આપશે. ભાજપ માટે વિધાનસભા 2022ની ચૂંટણી અતિ મહત્ત્વની હોવાથી પાર્ટી કોઈપણ ક્ષેત્ર કચાશ કે નબળાઈ છોડવા તૈયાર નથી તે માટે ચૂંટણી હોમવર્કનો દક્ષિણ ઝોનની મહત્ત્વની બેઠકમાં વિશેષ અભ્યાસ હાથ ધરવાના શ્રીગણેશ આરંભાઈ જશે.