ભારતીય ટેબલ ટેનિસ ટીમના કોચ અને કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા મમતા પ્રભુ દ્વારા ખેલાડીઓને આપવામાં આવી રહી છે તાલીમ
17મી નવેમ્બરથી 21 નવેમ્બર દરમિયાન દાનહની સરકારી પોલીટેક્નિક કોલેજના ઈન્ડોર સ્પોર્ટ્સ હોલમાં 68મી અંડર-17 રાષ્ટ્રીય શાળાકીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ-2024-25 યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રમત-ગમતના વિકાસ માટે ઘણા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. તેમના આ પ્રયાસોને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશપ્રશાસન દ્વારા સક્રિયપણે આગળ વધારવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રમત-ગમતના વિકાસ માટે કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા ઘણી મૂળભૂત માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. જેમાં ખેલાડીઓને વધુ સારી અને ગુણવત્તાયુક્ત તાલીમ અને સાધનો પણ આપવામાં આવી રહ્યા છે. આજે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતા પ્રયાસોનું પરિણામ છે કે રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ વધુ સારું પ્રદર્શન કરીને કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ રોશન કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને યુવા બાબતો અને રમત-ગમત વિભાગના સચિવ ડૉ. અરુણ ટી.ના માર્ગદર્શન હેઠળ અને વિભાગના નિયામક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી 68મી અન્ડર-17 રાષ્ટ્રીય શાળાકીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ-2024-25નું આયોજન 17મી નવેમ્બર-2024થી 21મી નવેમ્બર-2024 દરમિયાન દાદરા નગર હવેલીની સરકારી પોલીટેક્નિક કોલેજના ઈન્ડોર સ્પોર્ટ્સ હોલમાં કરવામાં આવશે. આ સ્પર્ધામાં વિવિધ રાજ્યો, સંઘપ્રદેશો અને યુનિટમાંથી 45 જેટલા સ્પર્ધકો ભાગ લેશે.
આ સંદર્ભમાં, કેન્દ્ર શાસિત પ્રદેશના રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા અન્ડર-17 ટેબલ ટેનિસ માટે પસંદ કરાયેલા ખેલાડીઓના ઉત્કળષ્ટ પ્રદર્શન માટે ઉચ્ચ પ્રદર્શન શિબિરનુંઆયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 04 નવેમ્બર-2024 થી 17 નવેમ્બર 2024 સુધી આયોજિત કરવામાં આવી રહી છે, જેમાં ખેલાડીઓને ભારતીય ટેબલ ટેનિસ ટીમના કોચ અને કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા મમતા પ્રભુ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉચ્ચ પ્રદર્શન શિબિર ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ખાતે નવનિર્મિત ટેબલ ટેનિસ હોલમાં યોજાઈ રહી છે, જેનું ઉદ્ઘાટન પણ આજે આંતરરાષ્ટ્રીય ખેલાડી મમતા પ્રભુના હસ્તે કરાયું હતું.
આ ઉચ્ચ પ્રદર્શન શિબિરના આયોજક, યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના અધિકારી શ્રી અક્ષય કોટલવારે જણાવ્યું હતું કે આ શિબિર કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટેબલ ટેનિસ રમતનું સ્તર વધારશે અને ખેલાડીઓનું મનોબળ વધારશે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટમાં ખેલાડીઓ તેમના ઉત્કળષ્ટ પ્રદર્શનથી દાદરા નગર હવેલી અને દમણ અને દીવને ગૌરવ અપાવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.