(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.31: જલારામ બાપાની 223મી જન્મ જયંતિ નિમિતે તાલુકાભરમાં ધાર્મિક ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. તલાવચોરા દેસાઈ ફળીયા સ્થિત જલારામબાપાના મંદિરે વહેલી સવારથી જ ભૂદેવ ગોપાલભાઈ મહારાજની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ, ભજન, આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં બાપાના ભક્તો ઉમટી પડી પૂજા-અર્ચના દર્શન કરી મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. ઘેકટી ગામે અંબામાતા મંદિર પાસે જલારામબાપાની મઢુલી વિશેષ શણગાર સાથે બનાવી છપ્પનભોગ ચઢાવી, સત્યનારાયણ ભગવાનની કથા, ભજન કીર્તન ઉપરાંત 223-દિવડાઓની મહા આરતી કરવામાં આવી હતી. જય જલારામ માનવ સેવા પરિવાર ઘેકટી દ્વારા આયોજિત જલારામ જયતિ ની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિભક્તોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. સમરોલીમાં આર્યા ગ્રુપ આયોજિત જલારામ જયંતિની ઉજવણીમાં જલાબાપાને છપ્પનભોગ ધરાવી ડાયરમાં ભજનોની રમઝટ અને આરતી સાથે ભવ્ય ઉજવણી થતા હજ્જારો ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો.
ચીખલીમાં રીવરફ્રન્ટ સ્થિત જલાબાપાના મંદિર પાસે શ્રી જયજલારામ સેવા સમિતિ આયોજિત કાર્યક્રમમાં આરતી દરમ્યાન કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સહિતના મહાનુભવો જોડાયા હતા અને આ દરમ્યાન મહાત્મા ફુલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડસ મેળવનાર પત્રકાર જ્યોતીન્દ્રભાઈ છોવાલાનું સન્માન કરાયું હતું. રિવરફ્રન્ટ ઉપર ભાવિભક્તો મોટી સંખ્યામાં ઉમટી જલાબાપાના દર્શન કરી મહાપ્રસાદમાં જોડાયા હતા.
ઘેજ ગામના ભરડા ફળીયા સ્થિત જલારામ ધામમાં પણ સત્યનારાયણ ભગવાનની કથા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સમરોલી આર્યાગ્રુપ આયોજિત જલારામ જયંતિ મહોત્સવમાં પણ આરતીમાં જોડાયા હતા. આ ઉપરાંત તાલુકાના આમધરા જલારામ ધામ, ચિતાલી, તલાવચોરા જગદીશ્વર મહાદેવ મંદિર, રૂમલા, મોગરાવાડી, સાદકપોર સહિત અનેક ગામોમાં જલારામ બાપાની જન્મ જ્યંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.