(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.02: ગત રવિવારના રોજ મોરબી ખાતે ઝુલતો પુલ અચાનક તુટી પડતાં જે દર્દનાક દુર્ઘટના ઘટી અને તેમાં બાળકો, મહિલાઓ અને પુરુષો થઈ આશરે 140 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને શોકમગ્ન કરી દીધું હતું, દીવખાતે પણ તે ઘટનાનું લોકો પર પ્રતિઘાત જોવા મળ્યો જેને લઈને વણાકબારા ગ્રામ પંચાયત તથા સાઉદવાડી ગ્રામ પંચાયત દ્વારા મૃતકો માટે વણાકબારા ક્રિકેટ ગ્રાઉન્ડ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં ગ્રામજનોએ મીણબત્તી પ્રગટાવી, પુષ્પ અર્પણ કરી સાથે બે મિનિટનું મૌન ધારણ કરી શ્રધ્ધાંજલી આપી હતી, સાથે ઘાયલ લોકો પણ વહેલીતકે સ્વસ્થ બને તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શંકર ભગવાન, ઉપ સરપંચ શશીકાંતભાઈ, ડો.ભરત ચાવડા, વણાકબારા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ નરસિંહભાઈ, જિલ્લા પંચાયત સદસ્યો ઉમેશ રામા, રામજીભાઈ, રામજી પારસમણિ, પુંજાભાઈ બામણીયા, ભીખાભાઈ વૈશ્ય, નરસિંહભાઈ ચારણીયા, રામજીભાઈ સોલંકી, ડો.હરેશ સોલંકી (ચૂલાવાડા), કિર્તી ગોહિલ, લક્ષ્મણ જીવા સોલંકી, મનોજ બારિયા, બાબુભાઈ વૈશ્ય ગ્રામ પંચાયત સદસ્યો અને બહોળી સંખ્યામાં મહાનુભાવો, મહિલાઓ અને પુરુષો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.