ઈજાગ્રસ્ત બનેલા સુપરવાઈઝર રાજીવકુમાર સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલીના સાયલી ગામ સ્થિત ‘આલોક ગારમેન્ટ કંપની’ના સુપરવાઇઝર પર કંપનીમાં કામ કરતા કર્મચારીએ પગાર બાબતે ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા સુપરવાઈઝરને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર સાયલી ખાતે આવેલ ‘આલોક ગારમેન્ટ કંપની’માં સુપરવાઈઝર તરીકેફરજ બજાવનાર રાજીવકુમાર રમાશંકર યાદવ (ઉ.વ.35) રહેવાસી મધુભાઈની ચાલ- સાયલી. જે નોકરી અર્થે કંપનીમાં જઈ રહ્યા હતા. ત્યારે એજ કંપનીમાં કામ કરતો કામદાર અચાનક દોડી આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ‘મને પગાર કેમ આપવામાં આવતો નથી? તે સમયે સુપરવાઈઝરે જણાવ્યું કે, તમારો પગાર આપી દેવામાં આવેલ છે. બાદમાં વધુ બોલાચાલી થતાં આ ઝગડો વધુ ઉગ્ર બન્યો હતો અને કામદાર પોતાના ખિસ્સામા ચાકુ લઈને આવ્યો હતો એના વડે સુપરવાઈઝર રાજીવકુમાર પર હુમલો કરી દીધો હતો. આ ઘટના જોતા આજુબાજુમાં ઉભેલા લોકો તેમજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા. પરંતુ ચાકુ વડે હુમલો કરનાર કર્મચારી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
હુમલામાં ઘાયલ સુપરવાઈઝર રાજીવકુમારને સારવાર માટે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ભરી સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં હુમલો કરીને ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે અને ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સાયલી પોલીસ કરી રહી છે.