(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.04: ચોમાસા દરમિયાન નેશનલ હાઇવે ના સમરોલી મજીગામ સહિતના વિસ્તારમાં સર્વિસ રોડની સપાટી કેટલીક જગ્યાએ બેસી જવા સાથે મસમોટા ખાડાઓ પડ્યા હતા અને ડામરની સપાટીનું નામોનિશાન ગાયબ થઈ જવા પામ્યું હતું. જેને લઇને ખાસ કરીને સ્થાનિક વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડી રહી હતી. આ દરમિયાન હાલે ચોમાસાની વિદાય ના ઘણા દિવસો બાદ હાઇવે ઓથોરિટી ને ફુરસદ મળી હોય તેમ સર્વિસ રોડ ઉપર સિલકોટ મારી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેનાથી વાહન ચાલકોને રાહત થશે એ ચોક્કસ છે.
જોકે સમરોલી થાલા સહિતના વિસ્તારમાં હાઇવે ના સર્વિસ રોડ પર ચોમાસામાંમોટી માત્રામાં પાણી ભરાયેલ રહે છે વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થાને અભાવે સામાન્ય વરસાદમાં પણ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા હોય છે બીજી તરફ ખાસ કરીને થાલામાં સ્પંદન હોસ્પિટલ પાસે અને તેની સામે ડ્રેનેજમાં પાણીનો છેલ્લા કેટલાક સમયથી બારેમાસ વહેતા હોય છે અને સ્પંદન હોસ્પિટલ પાસે તો ગંદકી સાથે તીવ્ર દુર્ગંધ પણ આ ગંદા પાણીના કારણે ફેલાતી હોય છે ત્યારે સર્વિસ રોડના નવીનીકરણ સાથે તંત્ર દ્વારા વરસાદી અને ડ્રેનેજના પાણીના નિકાલની પૂર્તિ વ્યવસ્થા કરી નક્કર કામગીરી કરવીજોઈએ.
વધુમાં મજીગામ અને થાલા પાસે હાઇવેના વર્ષોથી અધૂરા સર્વિસ રોડને પૂર્ણ કરવાની દિશામાં પણ હાઇવે ઓથોરિટી જાગે તે જરૂરી છે હાઈવે સર્વિસ રોડના અધૂરી કામગીરીથી લોકોને ઘણા લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણીવાર વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે આ મુદ્દે નિરાકરણ લાવવા માટે કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ દ્વારા સંકલન સમિતિની બેઠકમાં પણ રજૂઆત કરવામાં આવી હતી.