ટેમ્પો તથા દારૂ તથા પીઓપીનો જથ્થો મળી 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એલ.સી.બી.એ ચાલક-ક્લિનરની અટક કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: સેલવાસથી ભિલાડ તરફ આવી રહેલા રોડ ઉપર તળાવપાડા તળાવ પાસેથી આજે એલ.સી.બી.એ દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ઝડપી પાડી ડ્રાઈવર-ક્લિનરની અટક કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી.ને મળેલી બાતમી આધારે આજે ભિલાડ તળાવપાડા તળાવ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો નં.એમએચ 47 વાય 7401 આવતા પોલીસે અટકાવી ચેકીંગ કરતા ટેમ્પોના ફાલકામાં પીઓપીબેગની આડમાં છુપાવેલ 2772 નંગ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. ચાલક અંકેશ કમલા પ્રસાદ યાદવ અને ક્લિનર આનંદ વસંત કામલેની અટક કરી પુછપરછ કરાઈ હતી. દારૂનો જથ્થો અથાલ (સેલવાસ) ચોકડીથી પ્રદીપ મિશ્રાએ ભરાવ્યો હતો. ભિલાડથી સુરત તરફ જથ્થો લઈ જવાનો હતો. પોલીસે દારૂનો જથ્થો તથા પીઓપી બેગ તથા બે મોબાઈલ મળી 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.