સરકારી એન્જિ. કોલેજનો સ્ટ્રોંગ રૂમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તથા સી.સી.ટી.વી.ની ત્રીજી પાંખ ચાલુ હોવા છતાં વિપક્ષોને ભરોસો નથી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોનું તા.01 ડિસેમ્બર મતદાન પૂર્ણ થયા બાદ તમામ બુથોના ઈ.વી.એમ. ચુસ્ત બંદોબસ્ત હેઠળ વલસાડ એન્જિનિયરીંગ કોલેજમાં તૈયાર કરાયેલ સ્ટ્રોંગ રૂમમાં ખસેડી દેવાયા છે. ત્યારથી કોંગ્રેસ અને આપના ઉમેદવારો, કાર્યકર્તાઓ સ્ટ્રોંગ રૂમનો 24 કલાક પહેરો ભરી રહ્યા છે. વિપક્ષોને આશંકા છે કે સ્ટ્રોંગ રૂમમાં કોઈ ગેરરીતી થઈ શકે છે તેથી તેમણે ચોકી કરવાનું મુનાસીબ માની પહેરો ભરવાનું ચાલુ કરી દીધું છે.
વલસાડ સરકારી એન્જિનિયરીંગ કોલેજમાં ઈ.વી.એમ. રાખવાનો સ્ટ્રોંગ રૂમ બનાવાયો છે. તમામબુથોમાં ચૂંટણી મતદાન પૂર્ણ થયા બાદ ઈ.વી.એમ. મશીનો આ સ્ટ્રોંગ રૂમમાં રખાયા છે. 24 કલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સી.સી.ટી.વી. કેમેરાઓની ચારે બાજુ નિગરાની રખાઈ છે. છતાં પણ કોંગ્રેસના ઉમેદવાર કમલભાઈ પટેલ તથા આપના ઉમેદવાર રાજુભાઈ પટેલ (મરચા) ધર્મેશ પટેલ સહિતના કાર્યકરો, હોદ્દેદારો તા.01 ડિસેમ્બરથી સ્ટ્રોંગ રૂમ ઉપર દિવસ-રાત પહેરો લગાવી રહ્યા ચે. 2022ની સામાન્ય ચૂંટણીમાં આ નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. આપ-કોંગ્રેસના ઉમેદવારોને આશંકા છે કે સ્ટ્રોંગ રૂમમાં કોઈ પણ ગરબડ થઈ શકે છે તેથી તેઓ 24 કલાક સ્ટ્રોંગ રૂમની ચોકી કરી રહ્યા છે.