ચાલક ડુંગરા કોલોની ઘર તરફ જતો હતો ત્યારે ઘટેલી ઘટના
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વાપી વીઆઈએ ચાર રસ્તા નજીક શનિવારે મોડી રાત્રે એક બાઈક સવારની બાઈકમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાની સાથે બાઈક ચાલક સમય સુચકતા વાપરી કુદી પડતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે રાત્રે બાઈક નં.જીજે 15 ડીએચ 0135 ઉપર સવાર થઈ યુવક યુપીએલ નજીક ઓફીસથી ડુંગરા કોલોની ઘરે જવા નિકળ્યો હતો. વીઆઈએ ચાર રસ્તા હકીમજી શોપીંગ સેન્ટર પાસેથી યુવાન પસાર થતો હતો ત્યારે અચાનક તેની બાઈકમાં ભિષણ આગ લાગી હતી. યુવાને સમય સુચકતા વાપરી કુદી પડયો હતો તેથી તેનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડમાં કરવામાં આવતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. આગના બનાવને લઈ ટ્રાફિક જામ અને લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસે ટ્રાફીક કન્ટ્રોલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ચાલુ વાહનો કાર, મોપેડ વિગેરેમાં અચાનક આગ લાગવાના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે તેવો વધુ એક બનાવ શનિવારે રાત્રે વીઆઈએ ચાર રસ્તા પાસે બન્યો હતો.

