આધાર ફાઈનાન્સ લી. નામની ઓફિસમાં લોનધારક રામજી યાદવ, શૈલેષ યાદવ અને અન્ય લોકોએ મારામારી કરી 15 હજાર લૂંટી લીધા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વાપી ગુંજન વિસ્તારમાં આવેલ ખુશ્બુ પ્લાઝા કોમ્પલેક્ષ સ્થિત ફાઈનાન્સ કંપનીમાં લોનધારક અને સાગરીતો ગતરોજ બપોરે ધસી આવ્યા હતા. ગ્રાહકોની સામે બોલાચાલી કરી હતી તેથી ઓફિસ સ્ટાફે તેમને બહાર કાઢતા ઉશ્કેરાયેલા લોનધારકના સાગરીતોએ ઓફિસમાં મારામારી કરી ફર્નિચરની તોડફોડ કરી હતી. ઘટનાની ફરિયાદ ઉદ્યોગનગર પોલીસમાં નોંધાવાઈ હતી.
ફરિયાદ અનુસારગુંજન વિસ્તારમાં આવેલ ખુસ્બુ પ્લાઝા નામના કોમ્પલેક્ષમાં હાઉસિંગ લોન આપતી આધાર ફાઈનાન્સ કંપની કાર્યરત છે. ગતરોજ બપોરે ઓફિસમાં કામ કરતા વિપુલ ઠાકોર, બ્રાન્ચ મેનેજર ધર્મેશ નાનુ પટેલ, યજ્ઞેશ રાણા ઓપરેશન મેનેજર, કેશીયર ભાવિક પટેલ વગેરે હાજર રહ્યા હતા ત્યારે નામધા નવીનગરીમાં રહેતો લોન ધારક રીંકુ રામા યાદવનો ભાઈ વિજયરાજ બહાદુર, રામજી રામા યાદવ વગેરે ધસી આવ્યા હતા. હપ્તા અને વ્યાજ બાબતે વાતચિતમાં રામજી યાદવ ઉગ્ર બની ગયો હતો અને મારામારી ઉપર ઉતરી આવેલો. ઓફિસ તોડફોડ કરી હાજર સ્ટાફને મુઢ માર માર્યો હતો. મારામારીની ઘટનામાં ભાવેશ પાસે રહેલા કલેકશનના રૂા.15 હજાર લઈ ઈસમો નાસી ગયા હતા. તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘાયલ ધર્મેશ પટેલએ જી.આઈ.ડી.સી. પોલીસમાં માથાભારે રામજી યાદવ, શૈલેષ યાદવ અને અન્ય બે ઈસમો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.