મુંબઈ થાણેનો સુભાષ પાંડે પરિવાર સાથે મુંબઈથી ગરીબરથ એક્સપ્રેસમાં સુરત જઈ રહ્યા હતા ત્યારે મોત ભેટયું
(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો)
વાપી, તા.08 : રેલવે સ્ટેશને ટ્રેન થોભે ત્યારે ઘણા મુસાફરો ચા-નાસ્તા માટે નીચે ઉતરતા હોય છે. પરંતુ એકાએક ટ્રેન ચાલુ થઈ જતા ઉતાવળમાં ચઢવા જતા અનેક મુસાફરોનું પટકાતા મોત થયાની ઘટના અવારનવાર ઘટે છે. કંઈક તેવી જ ઘટના ગતરોજ વલસાડ રેલવે સ્ટેશને ઘટી હતી. ડબ્બામાંથી નીચે ઉતર્યા બાદ મુંબઈ થાણેનો મુસાફર ટ્રેન ચાલુ થઈ જતા ચઢી નહી શકતા નીચે પટકાતા મોતને ભેટયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ રેલવે સ્ટેશન ઉપર ગતરોજ મુંબઈથી સુરત તરફ જઈ રહેલ ગરીબ એક્સપ્રેસ ટ્રેનમાં થાણા મુંબઈમાં રહેતો સુભાષ રામનયન પાંડે પરિવાર સાથે સુરત જઈ રહ્યો હતો. વલસાડ સ્ટેશને કોઈ વસ્તુ લેવા સુભાષ પાંડે નીચે ઉતર્યો હતો તે દરમિયાન અચાનક ટ્રેન ચાલું થઈ ગઈ હતી. ચાલુ ટ્રેન પકડવાની જલ્દબાજી સુભાષએ કરી હતી. જેમાં તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પટકાઈ ગયો હતો. અકસ્માતમાં સુભાષ પાંડેનું પ્લેટફોર્મ ઉપર જ મોત નિપજ્યું હતું. સ્ટેશન માસ્ટરે પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબજો કરી પી.એમ.ની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ ટ્રેન ચાલું થઈ જતા પણ સુભાષ આવેલો નહીં તેથી પરિવારજનોએ ટ્રેનમાં શોધખોળ હાથ ધરી હતી. મૃતકના ફોન ઉપર ફોન આવતા પરિવારને ઘટનાની જાણ કરવામાં આવી હતી.