રેસમાં પારડી બેઠકના વિજેતા કનુભાઈ દેસાઈ અને કપરાડા બેઠકના જીતુભાઈ ચૌધરીના નામો ચર્ચાઈ રહ્યા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: વિધાનસભા ચૂંટણી 2022માં વલસાડ જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર ભાજપના ભવ્ય વિજય સાથે કોંગ્રેસ મુક્ત જિલ્લાનું પરિણામ આવી ચૂક્યુ છે. ત્યારે હવે આગામી તા.12 ડિસેમ્બરે ગાંધીનગરમાં નવા સી.એમ. તરીકે ભુપેન્દ્ર પટેલનો શપથવિધિ સમારોહ યોજાવાની હાલમાં તૈયારીઓ ચાલુ થઈ ચૂકી છે. તેની સાથે સાથે નવી કેબિનેટમાં કોણ કોણ મંત્રીઓ બનશે તેની પણ પુર્વ ધારણાઓનો દોર રાજકારણના તખ્તા ઉપર આરંભાઈ ચૂક્યો છે. તે અંતર્ગત વલસાડ જિલ્લામાંથી બે મંત્રીઓની પસંદગી થાય એવા અણસાર પણ વહેતા થયા છે.
વલસાડ જિલ્લામાં વિજેતા બનેલ પાંચ સીટીંગ ધારાસભ્યો પૈકી પારડી બેઠક ઉપર વિજેતા બનેલનાણા અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને કેબિનેટમાં સ્થાન મળશે તેવી ચર્ચાઓએ જોર પકડી લીધુ છે જ્યારે જિલ્લામાંથી અન્ય વિજેતા ધારાસભ્યો પૈકી રેસમાં પાણી પુરવઠા-કલ્પસર મંત્રી જીતુભાઈ ચૌધરીનું નામ પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ માટે ચાલી રહ્યું છે. જોકે ભાજપ મોવડી મંડળ માટે કેબિનેટની રચના માટે મોટા પડકારો પણ એટલા જ છે. કારણ કે ઉમરગામના પૂર્વ મંત્રી રમણલાલ પાટકર સહિત કોને ન્યાય આપવો એ યક્ષ પ્રશ્ન છે. પરંતુ ડિસેમ્બર 12 કે 13 તારીખે નવી કેબિનેટના રચનાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.