કારચાલક કનૈયા ફરાર, અન્ય ઈસમ દેવીસિંહ રાજપૂતની પોલીસે 20.96 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: વલસાડ નજીક હાઈવે ઉપર ડુંગરી રૂરલ પોલીસે વિશાખાપટ્ટનમથી રાજસ્થાન હુન્ડાઈ વરના કારના 83 કોથળામાં ભરેલ રૂા.17.81 લાખની બજાર કિંમતનો 178 કિ.ગ્રા. ગાંજો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી હતી.
વલસાડ ડુંગરી પોલીસ પી.આઈ. એસ.એસ. પવાર અને ટીમને મળેલી બાતમી આધારે બાલાજી હોટલ સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી કાર નં.આર.જે.30 સીએ 7070 આવતા ટ્રાફિક જામ કરી પોલીસે કાર અટકાવાની કોશિષ કરી, પણ કાર ચાલકે કાર ભગાડી દીધી હતી. ફિલ્મી ઢબે પોલીસે કારનો પીછો કરતા કાર હાઈવે છોડી બીજા રસ્તે બાલાજી રેફર કંપની તરફ જતા કાર ખાડામાં પટકાઈ હતી. કાર ચાલક કનૈયા જગદીશ ચૌધરી અંધારામાં ફરાર થઈ ગયો હતો. સાથે રહેલ આરોપી ઈસમ દેવીસિંહ રાજપૂત રહે.ભિલવાડા રાજસ્થાનને પોલીસે દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં કારમાં 178 કિ.ગ્રા. ગાંજો 83 પાર્સલોમાં ભરેલો મળી આવેલ. જેની બજાર કિંમત રૂા.17.81 લાખ, બે મોબાઈલ અને કાર મળી પોલીસે કુલ 20.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દેવીસિંહની ધરપકડ કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે સદર ગાંજો વિશાખાપટ્ટનમથી રાજસ્થાનપહોંચાડવાનો હતો.