(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15 : દાદરા નગર હવેલી અને દમણ દીવ અને બ્લોક રિસોર્સ સેન્ટર સેલવાસના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ સચિવ અને શિક્ષણ નિર્દેશકશ્રીના માર્ગદર્શનમાં ગલોન્ડા પંચાયતના ફલાંડી ગામમાં પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળાના પરિસરમાં ‘ઉન્નત જીવન શિક્ષણ સાથે’ અને ‘શિક્ષણની વાત વાલીઓનો સાથ’ થીમ ઉપર આધારિત શિક્ષણ શિબિરનું આયોજનકરવામાં આવ્યું હતું. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બીઆરસી ટીમ દ્વારા શિક્ષણની જાગૃતતા માટે રેલી કાઢવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત બ્લોક રિસોર્સ કો-ઓર્ડીનેટર અલ્લારખ્ખા વોરાએ સરસ્વતી આરાધના બાદ પાસ ધ બોલ ખેલથી વાલીઓ સાથે જીવનમાં શિક્ષણનું મહત્વ, શિક્ષણ પ્રત્યે તેમનું કર્તવ્ય, પૌષ્ટિક ભોજનનું મહત્વ, જીવનમાં સ્વચ્છતાનું મહત્વ અંગે ચર્ચા કરી હતી. તેમણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજીત કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’માં ભાગ લેવા માટે નોંધણી કરવાની રીત અંગે પણ જાણકારી આપી હતી.
શાળાના આચાર્ય શ્રીમતી નિમીષાબેન દેસાઈ અને બીઆરસી સેલવાસની ટીમે પણ વાલીઓ સાથે ચર્ચા કરી હતી. આ અવસરે જિલ્લા પંચાયત સભ્ય ગોવિંદભાઈ ભુજાડા, શાળાના શિક્ષકો, બ્લોક રિસોર્સ કો-ઓર્ડીનેટર સેલવાસની ટીમ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.