(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.20: પારડી તાલુકાની પારડી કન્યા શાળા નંબર-1 ના ગુજરાતી ભાષાના શિક્ષિકા અને જાણીતા કવિયિત્રી પદ્માક્ષી મનીષભાઈ પટેલનું સાહિત્ય અને લેખનમાં ઉમદા પ્રદાન બદલ વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે શાલ ઓઢાડી તથા પ્રમાણપત્ર એનાયત કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
પદ્માક્ષી એટલે કમળ નયની જેવું મનોહર નામ ધરાવતા કોળી પટેલ પરિવારના કવિયિત્રી ઘર અને શિક્ષિકાની બેવડી ભૂમિકા ભજવતા જઈને શબ્દોની સફર ખેડયા કરે છે. ‘‘પ્રાંજલ” ના ઉપનામથી તેઓ શબ્દોનું સર્જન કરે છે. તેમની પાસે શબ્દોનો અખૂટ ખજાનો છે. એમની કવિતાઓમાં રોજબરોજના ઘરના, સામાજિક રંગ, ઢંગ, લાગણી, ભાવ જગત અને ઊર્મિઓ કાગળ પર છલકાઇ છે. શબ્દોના સાધક અને પ્રકળતિ પ્રેમી ‘‘પ્રાંજલ” ના વર્ષ 2021 માં 12, વર્ષ 2022 માં 8 અને 2023 ના વર્ષમાં 4 મળી કુલ 24 પુસ્તકો પ્રકાશિત થયા છે.
સાહિત્યના વિવિધ વિષયો પર ખેડાણ કરી શબ્દોને તેમણે પુસ્તકોમાં ઢાળ્યા છે. બાળ સાહિત્ય, વાર્તા, નવલિકા, વિરહના કાવ્યો, પ્રકળતિના કાવ્યો, હાસ્ય વ્યંગની કવિતાઓ, ઉત્સવો, દેશભક્તિ, ભજનઅને શિક્ષક જીવનના કાવ્યો ને પણ તેમણે આગવી શૈલીમાં શબ્દસ્થ કર્યા છે.
વલસાડ જિલ્લામાં કોઈ શિક્ષક કે કવિના 24 પુસ્તકો પ્રકાશિત થયા હોય તેવા પદ્માક્ષી પટેલ પ્રથમ કવિયિત્રી છે. તેમણે અનેક વાર્તાઓ પણ લખી છે. કોરોના તારમાં ચાર દિવાલમાં કેદ થયેલી માનવ જિંદગીનું કટ્ટણ અને રસપ્રદ નિરૂપણ કરતી તેમની નવલિકા ‘‘કાળચિન્હ” હદય સ્પર્શી છે. કોળી પટેલ પરિવારના કવિયિત્રી પદ્માક્ષી પટેલને સમાજનું ગૌરવ વધારવા બદલ તેમનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.
