ટ્રાન્સપોર્ટર્સોએ ચીમકી ઉચ્ચારી 21 દિવસ સુધીમાં ન્યાય નહી મળે તો ઉગ્ર આંદોલન કરીશું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: બગવાડા ટોલનાકા પાસે આજે ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના નેજા હેઠળ દિલ્હીથી લઈ દક્ષિણ ભારત સુધીના ટ્રાન્સપોર્ટ સંચાલકો, હોદ્દેદારો એકત્ર થયા હતા. સરકાર દ્વારા 15 વર્ષ બાદ ટોલ ટેક્ષ 100 ટકાની જગ્યાએ 40 ટકા વસુલાશે તેવુ જે તે ટાઈમે બાજપાઈ સરકારમાં નિર્ધારીત કરાયું હતું. જેનો સમય અવધિ વીતિ ગયા બાદ પણ ટ્રાન્સપોર્ટર્સને 40 ટકા ટોલમાં રાહત આપવાનો અમલ કરવામાં આવ્યો નથી. તેથી દેશભરના 400 ઉપરાંત ટ્રાન્સપોર્ટર્સ ટોલનાકા પાસે હોટલ રજવાડીમાં એકઠા થયા હતા અને તેમની માંગણી માટે હાઈવે ઓથોરીટીના અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશનની આજે યોજાયેલરાષ્ટ્રિય મીટિંગમાં વાપી ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ ભરતભાઈ ઠક્કર અને પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શાહએ મીટિંગમાં જણાવ્યું હતું કે, ગુજરાતના 6 જેટલા ટોલનાકાઓ પર રોજની લાખો રૂપિયાની લૂંટ ચલાવાઈ રહી છે. સરકારે જે તે ટાઈમે 15 વર્ષ ટોલ વસુલાશે, ત્યારબાદ 40 ટકા ટોલ હાઈવે મેઈન્ટેનન્સ પેટે ઉઘરાવાશે તેવુ નક્કી કર્યું હતું. તેનો સમય વીતિ ગયો, 15 વર્ષ પુરા થયા પરંતુ 100 ટકા ટોલ વસુલાઈ રહ્યો છે. હાઈવે ઓથોરીટી ઉઘાડી લૂંટ કરી રહી છે. આવેદનપત્રમાં માંગ કરી છે કે દિન 21 સુધી અમારી માંગણી નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન સાથે ચક્કાજામ જેવા ઉગ્ર કાર્યક્રમો યોજીશુ તેવી ટ્રાન્સપોર્ટર્સએ ચીમકી પણ ઉચ્ચારી હતી.