ફાટક ઉપરથી 100 ઉપરાંત રેલવે પસાર થતી હોવાથી વારંવાર ફાટક બંધ થતુ હોવાથી ટ્રાફિકની હાડમારી ઉભી થઈ રહી છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વાપી પૂર્વ-પヘમિને જોડતો રેલવે ફલાય ઓવરબ્રિજ બુધવારે રાત્રે 12 કલાકથી અવર જવર માટે બંધ કરી દેવાયો હતો. તેથી આજે ગુરૂવારથી ટ્રાફિકની હાડમારીનો ત્રાસ શરૂ થઈ ગયો છે. પુલ બંધ કરાતા વૈકલ્પિક વ્યવસ્થા માટે એસ.ટી. ડેપો સામે નવિનફાટક કાર્યરત કરાયું છે. તેથી વાપીમાં જતા આવતા વાહનો ફાટકથી અવર જવર શરૂ કરી દીધી છે પરંતુ પુલ બંધ થયાના પ્રથમ દિવસથી જ આજે ગુરૂવારે ફાટક વારંવાર બંધ થતા ટ્રાફિકની ભરમાર શરૂ થઈ ગઈ હતી.
વાપીમાં રેલવે પુલ 142 કરોડના ખર્ચે નવિન ફોર લાઈન પુલ બનાવવાનો હોવાથી હયાત પુલ તોડવાની કામગીરી આજકાલમાં શરૂ થઈ જશે. તેથી પુલ બંધ થતા નવિન અંડરપાસ અને એસ.ટી. ડેપો સામે બનાવાયેલ નવિન ફાટકથી ટ્રાફિકની અવર જવર શરૂ થઈ ગઈ છે પરંતુ દિવસમાં 100 ઉપરાંત ટ્રેનનું અપડાઉન થતું હોવાથી દર 10-15 મિનિટે ફાટક બંધ કરાય છે તેથી ફાટકની બન્ને સાઈડો ઉપર વાહનોની કતારો લાગવી શરૂ થઈ ગઈ છે. પરિણામે ટ્રાફિક જામની હાડમારીનો ગુરૂવારથી જ પ્રારંભ થઈ ગયો છે. હજુ તો ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાઈ જશે એટલે વાપી આખુ ટ્રાફિક નગર પરિસ્થિતિમાં પલટાઈ જશે. ટ્રાફિકની શિરોવેદના આગામી બે વર્ષ વધુને વધુ વણસતી રહેનાર છે.