અત્યાર સુધી યોજાયેલા રોજગાર મેળાઓ પૈકી આ વખતે મળેલું સારૂં પરિણામઃ જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવ અને ડેપ્યુટી કલેક્ટર મોહિત મિશ્રાની લેખે લાગેલી મહેનત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા સમય સમયે પ્રદેશના બેરોજગાર યુવક-યુવતિઓને ખાનગી કારખાનાઓમાં ઉપલબ્ધ રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે તેની કડીમાં આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને આદેશ મુજબ નોકરીવાંચ્છુઓ માટે દમણ કોળી સમાજના હોલમાં એક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સંઘપ્રદેશના નોકરીવાંચ્છુ યુવક-યુવતિઓને નોકરી મળે તે હેતુથી આજે દમણ સ્થિત કોળી સમાજના હોલમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને શ્રમ વિભાગના અધિક કમિશનર ડો. તપસ્યા રાઘવ, શ્રમ અને રોજગાર વિભાગના સચિવ સહ કમિશનર શ્રી એસ.અસકર અલી તથા ઉપ કલેક્ટર(મુખ્યાલય) અને શ્રમ વિભાગના સંયુક્ત કમિશનર શ્રી મોહિત મિશ્રાએ દીપ પ્રજ્જવલિત કરીને રોજગાર મેળાનો શુભારંભ કરાવ્યોહતો.
અત્રે યોજાયેલા રોજગાર મેળામાં 65 કંપનીઓ અને બે હોટલોએ ભાગ લીધો હતો. જેમાં 492 બેરોજગાર યુવાઓ સામેલ થયા હતા. તેમાંથી 275 બેરોજગાર યુવાઓને તેમની નિયુક્તિના આદેશ આપવામાં આવ્યા હતા. તથા 217 યુવાઓને રોજગારના ઈન્ટરવ્યુ માટે સૂચવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ભવિષ્યમાં સ્થાનિક બેરોજગાર વ્યક્તિઓને ઉદ્યોગો, હોટલો અને અન્ય સંસ્થાઓમાં નોકરી માટે રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવતું રહેશે.